બોલો, અમદાવાદમાં 5 મહિનામાં 50 હત્યા છતાં ક્રાઈમ કંટ્રોલ હોવાનો પોલીસ કમિશનરનો દાવો

અમદાવાદઃ શહેરમાં ગુનાખોરી વધી છે, જેમાં હત્યાના બનાવ સૌથી વધુ વધ્યા છે. અમદાવાદ પોલીસ કમિશનરની અધ્યક્ષતામાં શહેર પોલીસના અધિકારીઓની ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. શહેરમાં છેલ્લા 5 મહિનામાં હત્યાના 50 બનાવ બન્યા છે છતાં પોલીસ કમિશનરે દાવો કર્યો હતો કે ક્રાઈમ કંટ્રોલમાં છે. છેલ્લાં 3 વર્ષની સરખામણીમાં ક્રાઈમ ઓછો થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે ગુનાખોરીનો ડેટા જાહેર કર્યો હતો, પરંતુ હત્યાનો ડેટા જાહેર કર્યો ન હતો.
ક્રાઈમ રેટમાં ઘટાડો થયો
શહેર પોલીસ કમિશનર જી.એસ મલિકે જણાવ્યું હતું કે, છેલ્લાં 3 વર્ષમાં ક્રાઈમમાં ઘટાડો થયો છે. અમદાવાદને સેફેસ્ટ સિટી જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદમાં કોઈ એવું વાતાવરણ પણ નથી. ક્રાઈમ કંટ્રોલમાં છે. લૂંટના ગુના 98 ટકાથી વધુ ડિટેકટ થયા છે. ધાડના ગુના 100 ટકા ડિટેકટ થયા છે. ઘરફોડ ચોરી 56.71 ટકા ડિટેક્ટ થઈ છે.
મોટા ગુનામાં સીસીટીવી મદદરૂપ
શહેરમાં સીસીટીવીનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, જેમાં ખાનગી લોકો સાથે મળીને 27 હજારથી વધુ સીસીટીવી જાહેરમાં લગાવ્યા છે, જેની ફીડ પોલીસ સ્ટેશન અને કંટ્રોલ રૂમમાં મળે છે. મોટા ગુનામાં સીસીટીવી મદદરૂપ છે. સીસીટીવી કેમેરાની મદદથી ગુના ઉકેલી શકાય છે. શહેરમાં વધુમાં વધુ સીસીટીવી લગાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. અમુક વિસ્તારો પણ શહેરમાં વધ્યા છે. એસપી રિંગ રોડ અમદાવાદ પોલીસની હદમાં આવ્યો છે.
શી ટીમની મહિલાઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે
નવરાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ, શી ટીમ સતત કામ કરશે. સીસીટીવી કેમેરા કંટ્રોલથી મોનિટરિંગ થશે. 112 ઈમર્જન્સીના કારણે નજીકની પીસીઆર સ્થળ પર પહોંચી જાય છે એનાથી ફાયદો છે. નવરાત્રિમાં નિયમ મુજબ 12 વાગ્યા સુધી ગરબા ચાલશે. રાતે ટ્રાફિક ન થાય એ માટે ટ્રાફિક-પોલીસ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ રહેશે. શી ટીમની મહિલાઓ ગરબાના ડ્રેસમાં હાજર રહેશે.
આ પણ વાંચો…સુરત સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતાઃ વિદેશમાં નોકરીના બહાને યુવાનોને ફસાવતી ગેંગ ઝડપાઈ