અમદાવાદની હવામાં પીએમ 2.5ના સ્તરમાં ઘટાડો, વિદેશી સંસ્થાના સંશોધનનું તારણ

અમદાવાદઃ અમદાવાદની આબોહવા ખાસ કરીને શિયાળામાં વધારે પ્રદૂષિત રહેતી હોય છે. છેલ્લા ઘણા દિવસોથી અમદાવાદની હવા જોખમી રીતે પ્રદૂષિત થઈ હોવાના અહેવાલો વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા હતા. બુલેટિન ઓફ ધ અમેરિકન મીટીરોલોજીકલ સોસાયટીના જણાવ્યા અનુસાર અમદાવાદે 2017 અને 2023 દરમિયાન વાર્ષિક પીએમ 2.5 ના સ્તરમાં 3.03 માઇક્રોગ્રામ પ્રતિ ઘન મીટરનો ઘટાડો નોંધાવ્યો હતો.
ગયા અઠવાડિયે પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં અમદાવાદ, પુણે, મુંબઈ અને દિલ્હીના હવા ગુણવત્તાના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ અભ્યાસ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી (પુણે) દ્વારા કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં અમદાવાદ સહિત મુંબઈની હવામાં પણ સુધારો નોંધાયો છે, પરંતુ પુણેની હવામાં પીએમ 2.5નું સ્તર થોડું વધ્યું હોવાનું નોંધાયું છે.
આ પણ વાંચો: અમદાવાદની હવા માત્ર પ્રદૂષિત નથી, પણ સંકોચાતી જાય છેઃ અભ્યાસમાં ચોંકાવનારું તારણ
નોંધનીય છે કે અહેવાલમાં વર્ષ 2023માં શહેરનું એક્યુઆઈ લેવલ 61 ટકા દિવસો માટે સારું અથવા સંતોષકારક જણાયું હતું, જે વર્ષ 2018માં માત્ર 18 ટકા જ જણાયું હતું.



