પીએમ મોદી અમદાવાદમાં સભા પૂર્વે રોડ શો યોજશે, આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે

અમદાવાદ : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટથી સીધા જ નિકોલ જવાના છે. આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. નરોડા હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધીના દોઢ કિલોમીટરના રોડ શો માટે સમગ્ર માર્ગને તિરંગા અને અન્ય બેનરોથી શણગારવામાં આવ્યો છે. પીએમ મોદી કરોડો રૂપિયાના વિકાસકાર્યોનું લોકોર્પણ કરશે.
નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો
પીએમ મોદી નરોડાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી લગભગ 1.5 કિલોમીટરનો રોડ શો પણ કરશે. આ કાર્યક્રમની તૈયારીઓનું રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ અને રાજ્યકક્ષાના પ્રધાન જગદીશ પંચાલ સહિત અમદાવાદ શહેર ભાજપના તમામ હોદ્દેદારો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા કડક બંદોબસ્ત
પીએમ મોદીના પ્રવાસ અંગે અમદાવાદમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તંત્ર દ્વારા વાહનવ્યવહારના નિયમો માટે એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25મી ઓગસ્ટે નિકોલ ખાતે કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ બાદ સભાને સંબોધવાના છે.
પીએમ મોદી 5,477 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા લખ્યું કે, પીએમ નરેન્દ્ર મોદી અમદાવાદથી રૂપિયા 5,477 કરોડના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવાના છે. વિકાસના આ કામો પ્રગતિની નવઊર્જા અને નવચેતના લઈને આવશે. પીએમ મોદીના માર્ગદર્શનમાં નાગરિકોની સુવિધા અને સુખાકારી માટે સરકાર પ્રતિબદ્ધ છે.
આ પણ વાંચો…નવા બિલમાં PM ને કોઈ છૂટ નહીં, મોદીએ કિરેન રિજિજુની ભલામણ નકારી…