વડાપ્રધાનની મુલાકાતને પગલે અમદાવાદ ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર; પોલીસ કમિશનરનું કડક જાહેરનામું

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૧૧ અને ૧૨ જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે હોય,. આ મુલાકાત દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા સમગ્ર શહેરને ‘નો ડ્રોન ફ્લાય ઝોન’ જાહેર કરવામાં આવ્યો હતો. આ હુકમ તા. ૧૧/૦૧/૨૦૨૬ના બપોરે ૧૩:૦૦ વાગ્યાથી તા. ૧૨/૦૧/૨૦૨૬ના રાત્રે ૨૦:૦૦ વાગ્યા સુધી અમલમાં રહેશે.
આ જાહેરનામા અનુસાર, અમદાવાદ શહેર પોલીસ કમિશનરની હદમાં આવતા તમામ વિસ્તારોમાં રિમોટ કંટ્રોલથી ચાલતા ડ્રોન, ક્વાડકોપ્ટર, પાવર્ડ એરક્રાફ્ટ તેમજ પેરાગ્લાઇડર, પેરા મોટર, હોટ એર બલૂન અને પેરા જમ્પિંગ જેવી પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આતંકવાદી તત્વો કે અસામાજિક તત્વો આવા હવાઈ ઉપકરણોનો ગેરલાભ લઈને સુરક્ષામાં ભંગ ન પાડે તે માટે આ નિર્ણય લેવાયો છે. જોકે, સરકારી સુરક્ષા એજન્સીઓ અને પોલીસ વિભાગને આ નિયમમાંથી મુક્તિ આપવામાં આવી છે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.



