પ્રથમ મેમૂ ટ્રેન અને કાર-લોડેડ માલગાડીનો પીએમ મોદી કડીથી શુભારંભ કરાવશે

અમદાવાદઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી 25 ઓગસ્ટ, 2025 ના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ અવસર પર તેઓ બે મહત્ત્વપૂર્ણ નવી રેલવે સેવાઓ કડી અને સાબરમતી વચ્ચે નવી યાત્રી મેમૂ ટ્રેન સેવા તથા બેચરાજીથી કાર-લોડેડ માલગાડીને અમદાવાદમાં આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી બતાવી શુભારંભ કરશે.
કલોલ-કડી-કટોસણ રોડ મીટર ગેજ સેક્શન 15 સપ્ટેમ્બર 2017 ના રોજ બ્રૉડ ગેજમાં રૂપાંતરણ માટે બંધ કરી દેવામાં આવ્યું હતુ, લગભગ 8 વર્ષ પછી પહેલી વાર મીટર ગેજથી રૂપાંતરિત બ્રૉડ ગેજ લાઈન પર કડીથી સાબરમતી વચ્ચે પહેલી મેમૂ ટ્રેનની શરૂઆત થશે. જેનાથી અમદાવાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાના રેલવે યાત્રીઓને સીધો ફાયદો મળશે.
યાત્રીઓનો સમય અને પૈસા બંને બચશે
આ ટ્રેન સેવા દૈનિક યાત્રીઓ, વિદ્યાર્થીઓ, ઓફિસે જનારા અને સ્થાનિક શ્રમિકો માટે ઝડપી, સુરક્ષિત, વિશ્વાસપાત્ર અને કિફાયતી યાત્રા કરાવશે. અમદાવાદ (સાબરમતી) થી કડી વચ્ચે આ ટ્રેન અત્યંત લાભકારક સિદ્ધ થશે, જ્યાં હાલમાં અમદાવાદથી કડી સુધીનું બસ ભાડું રૂ.80/- થી રૂ.150/- તથા ટેક્સી ભાડું રૂ. 800/- થી રૂ.1200/- ની વચ્ચે છે અને યાત્રામાં 1 થી 1.30 કલાક સુધી થાય છે, ત્યા આ ટ્રેન સેવા યાત્રીઓનો સમય અને પૈસા બંને બચાવશે.
ધાર્મિક અને પર્યટન સ્થળને મળશે વેગ
સાથે જ આ ધાર્મિક સ્થળો અને પર્યટન સ્થળો સુધીની પહોંચને સુગમ બનાવીને ક્ષેત્રની પર્યટન ક્ષમતાને પણ વધારશે. ઉત્તમ યાત્રી સંપર્કથી સ્થાનિક વ્યવસાય, વ્યાપારી અને સર્વિસ પ્રોવાઈડર્સ નવા અવસરોથી લાભ મેળવશે, જેનાથી ક્ષેત્રીય અર્થવ્યવસ્થાને ગતિ મળશે.
રોજગારીની નવી તકો પણ મળશે
બેચરાજીથી કાર-લોડેડ માલગાડીની શરૂઆત ગુજરાતના ઔદ્યોગિક પરિદ્રશ્યમાં નવી ઊર્જાનો સંચાર કરશે. ઑટોમોબાઈલ ઉત્પાદન અને સંલગ્ન ઉદ્યોગોનું મુખ્ય કેન્દ્ર હોવાને લીધે બેચરાજીને હવે ઉત્તમ લોજિસ્ટિક સમર્થન તથા રાજ્ય અને દેશના અન્ય ભાગો સુધી સુદ્રઢ કનેક્ટિવિટીનો લાભ મળશે. આ સેવા પરિવહન પડતર ઘટાડશે, આપૂર્તિ શ્રેણી નેટવર્કનો વિસ્તાર કરશે અને માલની ઝડપી અવરજવર સુનિશ્ચિત કરશે. આનાથી ફક્ત ઑટોમોબાઈલ અને ઉત્પાદન ક્ષેત્રનો વિકાસ જ નહીં થાય પરંતુ નવા રોજગારના અવસરો સર્જિત થશે.