‘સોમનાથ સ્વાભિમાન પર્વઃ કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથમાં તૈયારીઓની કરી સમીક્ષા

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદઃ દ્વાદશ જ્યોતિર્લિંગમાંના પ્રથમ જ્યોતિર્લિંગની ભૂમિ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તા.૧૦ અને તા.૧૧ મી જાન્યુઆરીના રોજ ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ માં સહભાગી થવા માટે આવી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સંસ્કૃતિ પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે વડા પ્રધાનના સોમનાથ પ્રવાસ અને શૌર્ય યાત્રાના રૂટ સહિત વિવિધ કાર્યક્રમો અંગે સ્થળ સમિક્ષા કરી અન્ય તૈયારીઓની વિગતો મેળવી હતી.
કેન્દ્રીય પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે સોમનાથ મહાદેવને શીશ ઝૂકાવ્યા બાદ સાગર દર્શન ખાતે એક બેઠક યોજી અને ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૮, ૯ અને ૧૦ના રોજ યોજાનાર વિવિધ કાર્યક્રમો તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત અન્ય તૈયારીઓ વિશે ઝીણવટપૂર્વકની માહિતી મેળવી હતી.

સાગર દર્શન ખાતેની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય પ્રધાન શૌર્ય યાત્રાના રૂટ શંખ સર્કલ થી હમીરજી ગોહિલ પ્રતિમા થી મંદિર પરિસર સહિતના સ્થળોએ પ્રધાનો તેમજ વરિષ્ઠ અધિકારીઓ સાથે રૂટનું નિરીક્ષણ કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ અંતર્ગત તા.૦૮, ૦૯ અને તા.૧૦ દરમિયાન ત્રિદિવસીય મહોત્સવમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત શોર્ય યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો…PM Modi શનિવારે સોમનાથની મુલાકાતેઃ 1,000 વર્ષના ઈતિહાસ અને સ્વાભિમાન પર્વની ઉજવણી…



