પીએમ મોદીએ શેર કરી અમદાવાદ ફ્લાવર શોની તસવીરો, લખી આ વાત
અમદાવાદઃ અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો 2025ની (Ahmedabad International Flower Show 2025) ગઈકાલથી શરૂઆત થઈ છે. પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં મુલાકાતીઓ ઉમટ્યાં હતો. ટિકિટનો ભાવ ગત વર્ષ કરતાં વધારે હોવા છતાં પણ લોકો ફ્લાવર શો નિહાળવા મોટી સંખ્યામાં આવ્યા હતા. આ દરમિયાન આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ફ્લાવર શોની તસવીરો તેમના સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી.
આ પણ વાંચો: CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ – 2025નો પ્રારંભ
પીએમ મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર અમદાવાદ ફ્લાવર શોની તસવીરો પોસ્ટ કરીને લખ્યું, અમદાવાદ આંતરરાષ્ટ્રીય ફ્લાવર શોની કેટલીક શાનદાર તસવીરો. મારું આ શોની સાથે ગાઢ જોડાણ છે. મારા મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન તેની શરૂઆત થઈ હતી અને સતત પ્રગતિ થઈ રહી છે. આવા શો કુદરતી સૌંદર્યની ઉજવણી કરે છે. ઉપરાંત સ્થાનિક ખેડૂતો, માળીઓને તેમની સર્જનાત્મકતા દર્શાવવા માટેનું પ્લેટફોર્મ આપે છે.
30 થી વધુ સ્કલ્પચર્સ
ફ્લાવર શોમાં ફૂલોમાંથી વિવિધ સ્કલ્પચર બનાવવામાં આવ્યા છે. આ ફ્લાવર શોને વિવિધ 6 ભાગમાં વહેંચવામાં આવ્યો છે. 7 લાખથી વધુ રોપા સાથેની 400 ફૂટની ક્રેનિયલ વોલ પણ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. અહીં 10 લાખથી વધુ ફૂલો અને 30 થી વધુ સ્કલ્પચર્સ મૂકવામાં આવ્યા છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના સંગમ સમાન આ ફ્લાવર શોની મુલાકાત પ્રવાસીઓને આકર્ષશે. બાળકો માટેના વિવિધ આકર્ષણો જેવા કે સોવેનિયર શોપ, નર્સરી, ફૂડ સ્ટોલ બધુ જ છે.
ઓડિયો દ્વારા સ્કલ્પચરની માહિતી
આ વખતે કુલ 6 ભાગમાં ફ્લાવર શો વહેંચવામાં આવ્યો છે. ફ્લાવર શોમાં પહેલી વાર ઓડિયો ગાઈડ આપવામાં આવશે. વિવિધ સ્કલ્પચરની માહિતી ઓડિયો દ્વારા આપવામાં આવશે. કિર્તી સ્તંભની પ્રતિકૃતિ, ૩ એન્ટ્રન્સ વોલની પ્રતિકૃતિ, આર્ચીસની પ્રતિકૃતિ, કેનોપીની પ્રતિકૃતિ, કેનિયન વોલની પ્રતિકૃતિ, ગરબા કરતી મહિલાઓની પ્રતિકૃતિ, હયાત મોરનાં સ્ટ્રક્ચરમાં ફ્લાવર લગાવી પ્રદર્શની કરાશે. કુલ 20 દિવસ સુધી 20 લાખથી વધુ રોપાથી અમદાવાદ રિવરફ્રન્ટ મહેકતું રહેશે.
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે શુક્રવારે ફ્લાવર શોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરી સુધી સાબરમતી રિવરફ્રન્ટ પર ફ્લાવર શો લોકો માટે ખુલ્લો રહેશે.