અમદાવાદટોપ ન્યૂઝ

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત ગુજરાત આવશે પીએમ મોદી, અમદાવાદ – વડોદરામાં યોજશે રોડ શો…

અમદાવાદ/વડોદરાઃ ઓપરેશન સિંદૂર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત આવશે. 26 મેના રોજ પીએમ મોદી વડોદરા અને અમદાવાદમાં રોડ શો યોજશે. જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

વડોદરામાં પીએમ મોદીના રોડ શોને લઈ ધમધમાટ
વડોદરામાં પીએમ મોદીની મુલાકાતને લઈ તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જૂના એરપોર્ટથી એરફોર્સ ગેટ સુધી પીએમના રોડ શોની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. જૂના એરપોર્ટ આસપાસ બાદ વૃક્ષોનું ટ્રિમિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત રોડ શોના રૂટ પર રંગરોગાન, સમારકામ, લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. એરપોર્ટ આસપાસ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

અમદાવાદમાં રોડ શોના રૂટ પર રાફેલ, બ્રહ્મોસના ટેબલો મૂકવામાં આવશે
આ દિવસે સાંજે અમદાવાદમાં પીએમ મોદીનો એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીનો ભવ્ય રોડ શો યોજાશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તા, નેતાઓ ઉપસ્થિત રહેશે. ભાજપ શહેર પ્રમુખના જણાવ્યા મુજબ, રોડ શોના રૂટ પર રાફેલ, બ્રહ્મોસના ટેબલો મૂકવામાં આવશે. રોડ શોમાં સમગ્ર રૂટ ઉપર તિરંગા લગાવવામાં આવશે. ઓપરેશન સિંદૂરની સફળતાને લઈને દેશભક્તિની ભાવના જાગે તેને લઈ હાથમાં બેનરો સાથે લોકો ઉપસ્થિત રહેશે. વિવિધ ધર્મ સમાજ સંસ્થાના લોકો આ રોડ શોમાં જોડાશે. વિવિધ 19 નાના-મોટા સ્ટેજ બનાવવામાં આવશે. જ્યાં ભારતીય સેનાને બિરદાવવા માટે લોકો ઉપસ્થિત રહેશે.

વડા પ્રધાનના રોડ શોમાં ભાજપના તમામ કોર્પોરેટરો અને શહેર સંગઠન દ્વારા દરેક વિસ્તારમાંથી લોકોને રોડ શોમાં લાવવા માટે એએમટીએસ બસની વ્યવસ્થા કરવામાં આવી છે. એક વોર્ડમાંથી 100થી 150 લોકોને લાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ સહિત ધારાસભ્યો, શહેર સંગઠનના હોદ્દેદારો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સહિતના નેતાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રના અધિકારીઓ દ્વારા રોડ શો પર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button