
અમદાવાદ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ પ્રવાસનો પ્રારંભ આજે સાંજે સોમનાથથી થશે, જ્યાં રાત્રે 8 વાગ્યે તેઓ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ‘ઓમકાર મંત્ર’ જાપ કાર્યક્રમમાં ભાગ લેશે અને ત્યારબાદ ભવ્ય ડ્રોન શો નિહાળશે. 11 જાન્યુઆરીના રોજ સવારે પીએમ સોમનાથ મંદિરના રક્ષણ માટે બલિદાન આપનાર યોદ્ધાઓના સન્માનમાં આયોજિત ‘શૌર્ય યાત્રા’માં જોડાશે. ત્યારબાદ સોમનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરી ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ નિમિત્તે જાહેર સભાને સંબોધશે.
સોમનાથથી વડાપ્રધાન રાજકોટ પહોંચશે, જ્યાં તેઓ કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નું ઉદ્ઘાટન કરશે. બપોરે 1:30 વાગ્યે તેઓ ટ્રેડ શો અને એક્ઝિબિશન ખુલ્લું મુકશે અને ત્યારબાદ મારવાડી યુનિવર્સિટી ખાતે આયોજિત મુખ્ય કાર્યક્રમમાં હાજરી આપી ઉદ્યોગ સાહસિકો અને જનમેદનીને સંબોધિત કરશે. રાજકોટના કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પીએમ અમદાવાદ રવાના થશે, જ્યાં સાંજે 5:15 વાગ્યે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી અમદાવાદ મેટ્રો ફેઝ-2 ના સેક્ટર-10A થી મહાત્મા મંદિર સુધીના બાકીના રૂટનું લોકાર્પણ કરવાના છે.
પ્રવાસના અંતિમ દિવસે એટલે કે 12 જાન્યુઆરીએ રોજ વડાપ્રધાન મોદી અમદાવાદમાં જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રીડ્રિચ મર્ઝ (Friedrich Merz) સાથે મુલાકાત કરશે. બંને નેતાઓ સવારે 9:30 વાગ્યે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે અને ત્યારબાદ સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’નો આરંભ કરાવશે.
ત્યારબાદ, ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા યોજાશે. ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થયા હોવાથી પીએમ મોદી અને ચાન્સેલર મર્ઝ આ ભાગીદારીની પ્રગતિની સમીક્ષા કરશે અને વિવિધ ક્ષેત્રોમાં સહયોગ વધારવા અંગે ચર્ચા કરશે. વડાપ્રધાનના આ વ્યસ્ત પ્રવાસને પગલે સોમનાથ, રાજકોટ, અમદાવાદ અને ગાંધીનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વહીવટી તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.



