
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આજે એક અનોખો નજારો જોવા મળ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે આ મહોત્સવમાં વિશેષ હાજરી આપી હતી. બંને નેતાઓએ રિવરફ્રન્ટ પર ઉમટી પડેલા પતંગબાજો અને નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું અને આકાશમાં લહેરાતા રંગબેરંગી પતંગોના અદભૂત દ્રશ્યોને નિહાળ્યા હતા. આ પ્રસંગે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં બંને મહાનુભાવોએ પતંગ ઉડાડવામાં પણ પોતાનો હાથ અજમાવ્યો હતો, જે ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
આ પહેલા જર્મન ચાન્સેલર ફ્રીડ્રિચ મેર્ઝે ઐતિહાસિક સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી. આશ્રમ પહોંચતા જ વડાપ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંસુમન પાઠવ્યા હતા. મુલાકાત દરમિયાન ચાન્સેલર મેર્ઝે ગાંધીજીના જીવન અને આદર્શો વિશે જાણકારી મેળવી હતી. તેમણે આશ્રમમાં મહાત્મા ગાંધી દ્વારા ઉપયોગમાં લેવાતા ચરખાને ખૂબ જ કુતૂહલપૂર્વક નિહાળ્યો હતો અને આ મુલાકાત અંગેના પોતાના અનુભવો વિઝિટર બુકમાં નોંધ્યા હતા.
વડાપ્રધાન મોદી અને ચાન્સેલર મેર્ઝની આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધોની સાથે સાથે ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતનું પણ પ્રતિબિંબ પાડે છે. સાબરમતી રિવરફ્રન્ટ પર પતંગોત્સવનો આનંદ માણતા બંને નેતાઓએ જનમેદની સાથે સીધો સંવાદ સાધ્યો હતો. આ મુલાકાત દ્વારા વૈશ્વિક મંચ પર અમદાવાદના પતંગ મહોત્સવની ખ્યાતિમાં વધારો થયો છે અને રાજદ્વારી સંબંધોમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.
ઉલ્લેખનીય છે કે જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ જ્યારે એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારત અને જર્મની વચ્ચેના રાજદ્વારી સંબંધોના ૭૫ વર્ષ અને વ્યૂહાત્મક ભાગીદારીના ૨૫ વર્ષની ઉજવણીના અવસરે યોજાયેલી આ મુલાકાત અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. દિવસ દરમિયાન ચાન્સેલર મર્ઝ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે યોજાનારી બેઠક ભારત-જર્મની વચ્ચેના મૈત્રીપૂર્ણ સંબંધો અને પરસ્પર સહયોગની ભાગીદારીને વધુ મજબૂત બનાવશે.
આ પણ વાંચો…ઉત્તરાયણમાં પતંગ ચગાવવામાંથી લોકોનો રસ ઘટી રહ્યો છે ?



