વડા પ્રધાન મોદી અમદાવાદમાં કરશે ભવ્ય રોડ શો, રાજકીય કારણોથી નિકોલની પસંદગી...
Top Newsઅમદાવાદ

વડા પ્રધાન મોદી અમદાવાદમાં કરશે ભવ્ય રોડ શો, રાજકીય કારણોથી નિકોલની પસંદગી…

અમદાવાદઃ પીએમ મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 25-26 ઓગસ્ટના બે દિવસીય રોકાણ દરમિયાન તેઓ અનેક વિકાસલક્ષી કાર્યોની ભેટ આપશે. 25 ઓગસ્ટે સાંજે તેઓ અમદાવાદના નિકોલમાં સભાને સંબોધશે. હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો કરશે.

રોડ શોમાં એક લાખ લોકો ઉમટશે
પીએમ મોદી 25 ઓગસ્ટે અમદાવાદ પધારી રહ્યા છે. નિકોલ વિસ્તારમાં જાહેરસભા ઉપરાંત તેઓ રોડ શો પણ કરશે. બપોરે 4 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આગમન થયા બાદ વડા પ્રધાન હરિદર્શન ચાર રસ્તાથી ખોડલધામ ગ્રાઉન્ડ સુધી રોડ શો યોજશે. ત્યારબાદ ગ્રાઉન્ડમાં જાહેરસભાને સંબોધશે. તેમના રોડ શો અને સભામાં એક લાખ લોકો એકત્રિત થવાનો અંદાજ છે.

આ પહેલાં પીએમ મોદીની મુલાકાતના કાર્યક્રમમાં 25મી ઓગસ્ટના રોજ અમદાવાદમાં ફક્ત જાહેરસભાનું જ આયોજન હતું, જોકે હવે એમાં રોડ શો ઉમેરવામાં આવ્યો છે.

પીએમ મોદી એરપોર્ટ પરથી સીધા નિકોલના ખોડલધામ ગ્રાઉન્ડ પર જશે. અમદાવાદ એરપોર્ટથી ઈન્દિરા સર્કલ સુધી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરાશે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી વિવિધ 12 સ્ટેજ બનાવવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ નરેન્દ્ર મોદી નિકોલમાં એક મોટી સભાને સંબોધશે. આ કાર્યક્રમ માટે સમગ્ર નિકોલ વિસ્તારને ખાસ શણગારવામાં આવી રહ્યો છે. નિકોલના 22 જેટલા સર્કલોને રોશનીથી સજાવાશે.

પીએમ મોદીના સ્વાગત માટે વિવિધ બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્વચ્છતા અને ગણેશ જેવા વિષયો પર ભાર મૂકવામાં આવ્યો છે. આ ઉપરાંત પૂર્વ અમદાવાદના બ્રિજ અને બિલ્ડિંગો પર પણ રોશની કરવામાં આવશે.

આ કાર્યક્રમ પાછળ રાજકીય કારણોની ચર્ચા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદીની નિકોલમાં જાહેરસભા યોજવા પાછળ એક રાજકીય હેતુ છે. આગામી ડિસેમ્બર કે જાન્યુઆરીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. છેલ્લા કેટલાક સમયથી પૂર્વ અમદાવાદના લોકો સરકારી કામગીરીથી નારાજ છે.

ખાસ કરીને નિકોલ વિસ્તારના લોકોમાં આ નારાજગી વધુ છે. નિકોલના રોડ રસ્તાની હાલત ગામડાના માર્ગોને પણ શરમાવે તેવી છે, ઉપરાંત ગટર ઉભરાવાની અને પાણી ભરાવા જેવી સમસ્યાઓ છે. આ કારણે ભાજપના કોર્પોરેટરો, ધારાસભ્યોને લોકોના ગુસ્સાનો સામનો કરવો પડે છે.

એવું માનવામાં આવે છે કે આ નારાજગીને કારણે આવનારી કોર્પોરેશનની ચૂંટણીમાં નિકોલ વોર્ડમાં ભાજપને મોટું નુકસાન થઈ શકે છે. આ નુકસાન અટકાવવા અને મતદારોને ફરીથી પક્ષ તરફ આકર્ષવા માટે પીએમ મોદીની સભાનું આયોજન નિકોલ વિસ્તારમાં કરવામાં આવ્યું છે. આ સભાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઇ વિધાનસભા જેવી બેઠકો પર ફાયદો થવાની શક્યતા છે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button