
અમદાવાદ: શહેરના મેઘાણીનગરમાં સર્જાયેલી ગોઝારી પ્લેન દુર્ઘટના બાદ પરિસ્થિતિનો તાગ મેળવવા અને રાહત-બચાવ કાર્યોની દેખરેખ રાખવા માટે વડા પ્રધાન કાર્યાલય (PMO)ની એક ઉચ્ચ-સ્તરીય ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમનું નેતૃત્વ વડા પ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રા કરી રહ્યા છે, અને તેઓ આગામી બે દિવસ સુધી ગુજરાતમાં રહેશે અને આ દરમિયાન તેઓ મુખ્ય પ્રધાન સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરવાના છે.
આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના: મુખ્ય સચિવ પી.કે. મિશ્રા
વડા પ્રધાનના મુખ્ય સચિવ પી.કે. મિશ્રાએ આજે અમદાવાદમાં પ્લેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઘટનાસ્થળની મુલાકાત લીધા બાદ, તેઓ શહેરની સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે દુર્ઘટનામાં ઘાયલ થયેલા લોકોને મળીને તેમના ખબરઅંતર પૂછ્યા હતા. આ મુલાકાત દરમિયાન પી. કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, “હું અહીં પરિસ્થિતિની સમીક્ષા કરવા આવ્યો છું. આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. દરેક દેશવાસી એનાથી અત્યંત દુઃખી છે.”
કેન્દ્ર સરકાર ગંભીરતાથી લઈ રહી છે દુર્ઘટનાને
આ ઉચ્ચ-સ્તરીય ટીમનો મુખ્ય ઉદ્દેશ રાહત, બચાવ અને તપાસના પ્રયાસોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવાનો છે. આ ટીમ મુખ્ય પ્રધાન, પોલીસ મહાનિર્દેશક (DGP) અને વધારાના મુખ્ય સચિવ સાથે મહત્વપૂર્ણ બેઠકો યોજશે, જેમાં આપત્તિ પછીના સંકલન અને સહાયતા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ મુલાકાત સ્પષ્ટ દર્શાવે છે કે આ દુર્ઘટનાને કેન્દ્ર સરકાર દ્વારા ગંભીરતાથી લેવામાં આવી રહી છે.
તપાસ માટે સરકારે ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવી
કેન્દ્ર સરકારે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે અને તેની સંપૂર્ણ તપાસ કરવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવી છે. આ ટીમ અકસ્માતના કારણોની શોધ કરશે, જેમાં ટેકનિકલ ખામી, માનવ ભૂલ અથવા અન્ય કોઈ પરિબળ શામેલ હોઈ શકે છે. તપાસ સમિતિ અકસ્માત સ્થળની મુલાકાત લેશે અને ક્રૂ સભ્યો, એર ટ્રાફિક કંટ્રોલર્સ અને બચાવ ટીમના સભ્યો સહિત સંકળાયેલા તમામ સંબંધિત વ્યક્તિઓ સાથે વાત કરશે.
આ પણ વાંચો…અમદાવાદ એરક્રેશઃ આ સાત પરની ઘાત ટળી, ટિકિટ હતી પણ પ્લેનમાં ન બેઠા ને બચી ગયા