
અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીએ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા રિસોર્સ રિકવરી માટે પીરાણા ગ્યાસપુર માસ્ટર પ્લાન વિકસાવવા માટે કન્સલ્ટન્ટની નિમણૂકને મંજૂરી આપી હતી. જે અંતર્ગત 700 હેક્ટરની પીરાણા ડમ્પસાઈટને મનોરંજન કેન્દ્રમાં રૂપાંતરિત કરવામાં આવશે. એએમસીની આ એક મહત્વાકાંક્ષી પહેલ છે.
આ પ્રોજેક્ટ લેન્ડફિલ સાઇટને સુરક્ષિત રીતે બંધ કરવા માટે બાયોમાઇનિંગ અને બાયોરેમિડિયેશન સહિતની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરશે. કચરાને સુરક્ષિત રીતે ઢાંકવામાં આવશે અને તેના પર શહેરી જંગલો, નેચર ટ્રેલ્સ અને જાહેર ઉદ્યાનો ધરાવતી વિશાળ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે.
‘વેસ્ટ ટુ વન્ડર’ પાર્કમાં શું શું હશે
‘વેસ્ટ ટુ વન્ડર’ પાર્કમાં જંગલ સફારી, જૈવવિવિધતા પાર્ક, સાયકલિંગ ટ્રેક અને સાઇટના પરિવર્તનને દસ્તાવેજ કરતો હેરિટેજ પ્લાઝા સામેલ હશે. અહીં વેસ્ટ ઇનોવેશન કેમ્પસ પણ સ્થાપવામાં આવશે, જેમાં રિસર્ચ એન્ડ પ્રયોગશાળાઓ, સ્ટાર્ટઅપ ઇન્ક્યુબેશન સુવિધાઓ, વેસ્ટ મ્યુઝિયમ અને એક શાળા હશે.
700 હેક્ટર વિસ્તારને આવરી લેવાશે
સૂત્રો મુજબ, પીરાણા ખાતેની 700 હેક્ટર વિસ્તારને આવરી લેતી ડમ્પસાઇટને વેસ્ટ ટુ વન્ડર પાર્કમાં રૂપાંતરિત કરવાની યોજના છે. કચરાને સુરક્ષિત રીતે ઢાંકવામાં આવશે. શહેરી જંગલો, નેચર ટ્રેલ્સ અને જાહેર ઉદ્યાનો સહિતનો લીલોછમ અને જીવંત લેન્ડસ્કેપ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 3,000 લોકોને રોજગારી પૂરી પાડશે તેવી અપેક્ષા છે. 30 લાખ ટનથી વધુ જૂના કચરા પર પ્રક્રિયા કરવામાં આવશે અને 50 એકરથી વધુ જગ્યા વિકસાવવામાં આવશે.
આ પણ વાંચો…અમદાવાદમાં 125 લાખ મેટ્રિક ટન કચરામાંથી બનાવવામાં આવ્યો રોડ, પીરાણાના કચરાનો થયો ઉપયોગ