Ahmedabad માં ડીજી ઓફિસમાં ફરજ બજાવતાં પીઆઈનું હાર્ટ એટેકથી મૃત્યુ, 5 દિવસમાં બીજી ઘટના

અમદાવાદઃ ગુજરાતમાં વધુ એક પોલીસ અધિકારીનું હાર્ટ એટેકથી (heart attack) મોત થયું હતું. અમદાવાદમાં ફરજ બજાવતા પીઆઈ. આર.એલ. ખરાડીનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હતું. પીઆઈ ખરારી હાલમાં ડીજી ઓફિસમાં કાર્યરત હતા ત્યારે તેમને અચાનક હૃદયરોગનો હુમલો આવ્યો હતો. સારવાર મળે તે પહેલાં જ તેમનું અવસાન થયું હતું. જેના કારણે પોલીસ દળ અને પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પાંચ દિવસમાં પોલીસના મોતની આ બીજી ઘટના છે. આ પહેલા ગોમતીપુરમાં પોલીસકર્મીનું પણ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું.
કોન્સ્ટેબલનું એટેકથી મોત
અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસકર્મીનું ચાલુ પરેડ દરમિયાન હાર્ટ એટેક આવતા મોત થયું હતુ, પોલીસ કોન્સ્ટેબલને છાતીમાં દુખાવો થતા ઘટનાસ્થળે જ પોલીસ કર્મીઓ દ્વારા સીપીઆર આપીને તેનો જીવ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પણ નિષ્ફળતા મળતા નિધન થયું હતું. સોમવારે સવારે ગોમતીપુર હેડ ક્વાર્ટર ખાતે પરેડ ચાલતી હતી. તે દરમિયાન પોલીસકર્મી અર્જુનસિંહ (ઉ.વ.32) ને અચાનક છાતીમાં દુખાવો થતાં ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. તેમના નિધનથી પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
આ પણ વાંચો…Gujarat માં પ્રોજેક્ટ લાયનના દાવા પોકળ, બે વર્ષમાં 286 સાવજના મોત
નિષ્ણાતોના મતે હાર્ટ એટેક આવ્યા પછી 5 મિનિટની અંદર સીપીઆર શરૂ કરી દેવો જોઈએ. આના દ્વારા ઓક્સિજન યુક્ત લોહી એટલે કે ઓક્સિજન વહન કરતું લોહી મગજના કોષો સુધી પહોંચતું રહે છે. આને કારણે, મગજના કોષો જીવિત રહે છે અને હૃદયને તેની સામાન્ય સ્થિતિમાં પાછા આવવા માટે સંદેશ આપતા રહે છે. જેના કારણે હૃદયના ધબકારા ફરીથી ચાલુ થાય છે.