અમદાવાદમા શ્વાન કરડવાની ઘટનામાં માલિક સામે ગુનોઃ જુઓ વીડિયો

અમદાવાદઃ શહેરના ન્યૂ મણિગનર વિસ્તારમાં એક જર્મન શેફર્ડ પાળતું શ્વાને બે બાળકને કરડી લીધાની ઘટના ઘટી હતી. અહીં આવેલા શરણમ્ એલિગન્સમાં બનેલી આ ઘટનામાં પાળતું શ્વાનના માલિક સામે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી.
બુધવારે બપોરના સમયે બનેલી આ ઘટનામાં સંગીતાબેન વાણિયાર નામની મહિલા પોતાના શ્વાનને સોસાયટીના પરિસરમાં ફરવા લઈ આવ્યા હતાં ત્યારે ત્યાંથી પસાર થતા બે બાળકોને આ શ્વાન કરડી ગયો હતો. એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. બન્ને બાળકને નજીકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. એક બાળકના પિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને મહિલાની બેદરકારીને લીધે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું.
હવે પોલીસે સંગીતાબેન સામે ભારતીય ન્યાય સંહિતા (બીએનએસ) ની કલમ 291 અને 425(એ) હેઠળ ગુનો નોંધ્યો છે. સજામાં છ મહિના સુધીની જેલ, ₹5,000 સુધીનો દંડ અથવા બંનેનો સમાવેશ થઈ શકે છે.
અગાઉ અહીંના હાથીજણ વિસ્તારમાં પાળતું શ્વાને ચાર મહિનાની બાળકીને ફાડી ખાધી હતી અને તેનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ પાળતું શ્વાનના રજિસ્ટ્રેશન વગેરે મામલે મહાનગરપાલિકાએ સખત નિયમો બહાર પાડ્યા હતા.



