અમદાવાદમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાક ખુલ્લા રહેશે; સ્વચ્છતાની ફરિયાદ માટે ક્યૂઆર કોડ મુકાશે

અમદાવાદ: શહેરમાં ટૂંક સમયમાં પે એન્ડ યુઝ શૌચાલયો 24 કલાકમાં ખુલ્લા રહી શકે છે. સામાન્ય રીતે શહેરમાં પે એન્ડ યુઝ શૌચાલયો રાત્રે 11 વાગ્યે બંધ થઈ જતા હોય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 15 ‘પિંક ટોઇલેટ’ સહિત કુલ 165 પે-એન્ડ-યુઝ શૌચાલયોને 24 કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત દરેક શૌચાયલ પર સ્વચ્છતાની ફરિયાદ માટે ક્યૂઆર કોડ લગાવવામાં આવશે. આ રીતે નાગરિકો સીધી જ એએમસીમાં ફરિયાદ નોંધાવી શકશે.
શૌચાલયની જાળવણીનો ચાર્જ વધારીને 30 હજાર કરવામાં આવ્યો
એએમસીની સ્ટેન્ડિંગ કમિટીની તાજેતરની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો, જેમાં આ સુવિધાઓનું સંચાલન અને જાળવણી કરતી સંસ્થાઓ માટે માસિક જાળવણી ખર્ચ પ્રતિ શૌચાલય ₹ 25,000 થી વધારીને ₹ 30,000 કરવામાં આવ્યો હતો. આ વધારો કોન્ટ્રાકટ હેઠળની આઠ સંસ્થાઓની રજૂઆત બાદ કરવામાં આવ્યો હતો. જોકે, ફી વધારતી વખતે એએમસીએ તેમના માટે નવી શરતો પણ રાખી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
શહેરમાં કેટલા છે પિંક ટોઇલેટ
વર્તમાનમાં 480 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલા અમદાવાદમાં 150 જાહેર મૂતરડીઓ અને 40 સ્માર્ટ ટોઇલેટ ઉપરાંત 333 પે-એન્ડ-યુઝ શૌચાલયો છે. અધિકારીઓના મતે, શહેરમાં મહિલાઓ માટે પૂરતા જાહેર શૌચાલયો નથી, જેને દૂર કરવા માટે એએસી નવા પિંક ટોઇલેટ બનાવી રહી છે. 21 નવા પિંક ટોઇલેટની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા ત્રણ વર્ષમાં માત્ર 15 જ બની શક્યા છે. જમીનના વિવાદોને કારણે છ પ્રોજેક્ટ રદ કરવા પડ્યા હતા.
કુલ 333 શૌચાલયોમાંથી, 165 પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર ચાલે છે, જ્યારે બાકીનાની જાળવણી એએમસી પોતે કરે છે. મોટાભાગના જાહેર શૌચાલયો ઝૂંપડપટ્ટીવાળા વિસ્તારોમાં આવેલા છે, જ્યારે જાહેર મૂતરડીઓ મોટે ભાગે પુરુષો માટે છે. જોકે, પડકારો હજી પણ છે. 2016માં કરોડો રૂપિયાના ખર્ચે 200થી વધુ સ્થળોએ લગાવેલા ફેબ્રિકેટેડ ટોઇલેટ બ્લોક્સ હવે તૂટી ગયા છે. શહેરમાં લગાવેલા 40 થી વધુ સ્માર્ટ ટોઇલેટમાંથી મોટાભાગના અયોગ્ય જગ્યાએ છે અને તેનો ઉપયોગ થતો નથી. તે ઘણીવાર જાહેરાતના બોર્ડ જેવા વધારે લાગે છે. તેમને ચલાવવા માટે ₹ 5 નો સિક્કો પણ જરૂરી હોય છે, જેના કારણે તે ઘણા લોકો માટે અવ્યવહારુ બની ગયા છે.
ODF સ્ટેટસ હોવા છતાં મુશ્કેલીઓ યથાવત્
અમદાવાદને કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન હેઠળ 2016માં ઓડીએફ, 2018માં ઓડીએફ+ અને 2019માં ઓડીએફ++ મેળવનાર દેશનું પ્રથમ શહેર બનવાનું ગૌરવ મળ્યું હતું. આ સ્ટેટસ શહેરના કુલ શૌચાલયોના 10 ટકાનું નિરીક્ષણ કર્યા બાદ સર્વે ટીમે આપ્યું હતું. તે સમયે, શહેર દ્વારા મિશનના માર્ગદર્શિકાને પૂર્ણ કરવા માટે પૂરતા અને સારી રીતે જાળવવામાં આવેલા જાહેર અને સામૂહિક શૌચાલયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો.
આપણ વાંચો: ગુજરાતમાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 17 લાખનો વધારો, જાણો શું છે કારણ