પાટણમાં એસટીની ત્રણ બસ પર પથ્થરમારો, મુસાફરો સલામત

અમદાવાદઃ પાટણ જિલ્લાના શિહોરી હાઇવે પર મંગળવારે રાત્રે અસામાજિક તત્વોના એક જૂથે વાહનો પર પથ્થરમારો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી, જેમાં અનેક બસો અને ટ્રકોને નુકસાન થયું હતું અને મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. આ ઘટના સરસ્વતી તાલુકાના નાયતા ગામ નજીક બની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, ત્રણ જીએસઆરટીએસ બસો અને પાંચ ડમ્પરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. મોટરસાયકલ પર સવાર અસામાજિક તત્વોએ પસાર થઈ રહેલા વાહનો પર પથ્થરમારો કર્યો અને કોઈ કંઈ કરે તે પહેલા ત્યાંથી નાસી છૂટ્યા હતા. ટક્કરથી બારીના કાચ તૂટી ગયા હતા, જેના કારણે મુસાફરો અને વાહનચાલકોમાં ભય ફેલાયો હતો. જોકે મુસાફરોને કોઈ મોટી ઈજાના સમાચાર નથી.
આપણ વાચો: ગીર સોમનાથમાં મેગા ડિમોલેશન દરમિયાન પોલીસ પર થયો પથ્થરમારો, 2 પોલીસકર્મી ઈજાગ્રસ્ત…
અસરગ્રસ્ત બસો અમદાવાદ-દિયોદર, શામળાજી-દિયોદર અને શામળાજી-પાટણ સહિતના રૂટ પર મુસાફરી કરી રહી હતી. હુમલા સમયે ત્રણ રાજ્ય પરિવહન બસોમાં લગભગ 80 મુસાફરો સવાર હતા.
ઘટના બાદ, મોડી રાત્રે બધી બસોને સુરક્ષિત રીતે સરસ્વતી ડેપોમાં ખસેડવામાં આવી હતી. સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે અને ગુનેગારોને ઓળખવા અને શોધવાનું કામ તાબડતોબ શરૂ કર્યાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.



