રોંગ સાઇડ વાહન ચલાવવાના કેસને કારણે પાસપોર્ટ રિન્યૂ ન થયો, જાણો ગુજરાત હાઈ કોર્ટે શું આપ્યો આદેશ

અમદાવાદઃ રાજ્યમાંથી ઘણા લોકો ખાડી દેશોમાં કામ કરવા જતા હોય છે. જેમાં ક્યારેક કોઈ મુશ્કેલીનો સામનો પણ કરવો પડે છે. ગુજરાત હાઈ કોર્ટે કુવૈતમાં કામ કરતા એક ભારતીય નાગરિકને મોટી રાહત આપી હતી. હાઈ કોર્ટે પાસ પોર્ટ ઓથોરિટીને અરજદારના પાસપોર્ટ રિન્યુઅલની અરજી પર ચાર સપ્તાહમાં નિર્ણય લેવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, અરજદાર તરફથી કરાયેલા ખુલાસાને પણ સત્તાવાળાઓએ ધ્યાનમાં લેવો જોઈએ. હાઇ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, અરજદાર કુવૈતમાં કામ કરે છે અને જો તેના પાસપોર્ટના રિન્યુઅલ પર વિચાર કરવામાં નહીં આવે તો તેને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે.
શું છે મામલો
મૂળ ભારતીય અને કુવૈતમાં રહેતા 46 વર્ષીય અરજદાર મોહસીન સુરતી જ્યારે વર્ષ 2024માં ભારત આવ્યા હતા, ત્યારે મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ મથકમાં તેમની વિરુદ્ધ રોંગ સાઈડમાં અને જોખમી રીતે વાહન ચલાવવા બદલ એક ફરિયાદ નોંધાઈ હતી. મોહસીન સુરતીએ પોતાની પત્ની મારફતે હાઇ કોર્ટમાં રિટ અરજી દાખલ કરીને રજૂઆત કરી હતી કે, તેઓ વર્ષ 2000થી જરૂરી પરમિટ સાથે કુવૈતમાં રહે છે અને ત્યાં કામ કરે છે. તેમની પાસે કુવૈતનું સિવિલ આઇડી કાર્ડ પણ છે.
અરજદારે કોર્ટને શું બાંહેધરી આપી
તેમણે જ્યારે પોતાના પાસપોર્ટ રિન્યુઅલ માટે કુવૈતમાં ઇન્ડિયન એમ્બેસી સમક્ષ અરજી કરી, ત્યારે સત્તાવાળાઓએ તે અરજી એ આધારે નકારી કાઢી કે તેમની વિરુદ્ધ ઉપરોક્ત ગુનાનો ક્રિમિનલ કેસ પેન્ડિંગ છે. તેમના પાસપોર્ટની મુદત તા. 30 જાન્યુઆરી, 2026ના રોજ પૂર્ણ થઈ રહી છે. અરજદારે કોર્ટને બાંહેધરી આપી હતી કે તેઓ તેમની સામે નોંધાયેલા કેસના ટ્રાયલમાં સંપૂર્ણ સહકાર આપશે. જોકે, તેમણે ભય વ્યક્ત કર્યો હતો કે જો પાસપોર્ટ રિન્યૂ નહીં થાય તો તેમને કુવૈતથી ડિપોર્ટ કરી શકાય છે અને કાયમી ધોરણે બ્લેકલિસ્ટ પણ કરી શકાશે. આના કારણે તેમને જીવનનિર્વાહના કપરા પ્રશ્નોનો સામનો કરવો પડી શકે તેમ છે.
અરજદારની આ રજૂઆતો ધ્યાને લીધા બાદ, હાઇ કોર્ટે પાસપોર્ટ ઓથોરિટીને અરજદારની અરજી અને સંબંધિત ખુલાસાને ધ્યાનમાં રાખીને વહેલી તકે કાયદાનુસાર નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો હતો.
આપણ વાંચો: કોમનવેલ્થ ગેમ્સના કારણે અમદાવાદમાં જંગી રોજગારી ઉભી થશે, બીજા શું થશે ફાયદા ?



