અમદાવાદમાં રસ્તો પહોળો કરવા 400 વર્ષ જૂની મસ્જિદનો અમુક ભાગ તોડાશે, કોર્ટે કેસમાં શું કહ્યું?

અમદાવાદઃ શહેરના સરસપુરમાં રસ્તાને પહોળો કરવા માટે 400 વર્ષ જૂની એક મસ્જિદનો અમુક હિસ્સો તોડી પાડવામાં આવશે. આ મુદ્દે ગુજરાત હાઇ કોર્ટે મંચા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી હતી, જેમાં એએમસી (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન)ની નોટિસને રદ કરવાની માંગ કરવામાં આવી હતી. સરસપુરમાં આવેલી મસ્જિદના એક હિસ્સાને શાંતિપૂર્વક ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી.
શું છે મામલો
ગુજરાત હાઈ કોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રોડ વિસ્તરણ પ્રોજેક્ટને ‘જનહિત’માં ગણાવી મંચા મસ્જિદ ટ્રસ્ટની અરજી ફગાવી દીધી છે. ન્યાયાધીશ મૌના ભટ્ટે આ કેસનો ચુકાદો આપતા નોટિસ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે જણાવ્યું કે મ્યુનિસિપલ કમિશનરે GPMC એક્ટ હેઠળ વિશેષ સત્તાઓનો ઉપયોગ કર્યો હોવાથી વકફ એક્ટની જોગવાઈઓ આ કેસમાં લાગુ પડતી નથી.
ટ્રસ્ટે રજૂઆત કરી હતી કે નોટિસ અને સુનાવણી AMCના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર દ્વારા કરવામાં આવી હતી, જ્યારે GPMC એક્ટ મુજબ નિર્ણય લેવાની સત્તા માત્ર મ્યુનિસિપલ કમિશનર પાસે છે. ટ્રસ્ટે એમ પણ જણાવ્યું કે મસ્જિદ એક વકફ મિલકત છે અને તેની ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાને નુકસાન પહોંચાડવું ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત, ટ્રસ્ટે આરોપ લગાવ્યો હતો કે જાન્યુઆરી, 2025માં કરવામાં આવેલી વાંધા અરજીઓને AMCની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા અવગણવામાં આવી હતી.
સરકારી દલીલો
સરકારી વકીલે રજૂઆત કરી હતી કે આ રોડ વાઈડનિંગ પ્રોજેક્ટ કાલુપુર રેલવે સ્ટેશન અને અમદાવાદ મેટ્રો જંકશનને જોડતો હોવાથી ટ્રાફિક નિયંત્રણ અને શહેરી વિકાસ માટે અત્યંત જરૂરી છે. સરકારે જણાવ્યું કે GPMC એક્ટ હેઠળ તમામ કાનૂની પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે અને જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિશેષ સત્તાઓનો ઉપયોગ કરે ત્યારે વકફ એક્ટની જોગવાઈઓ લાગુ પડતી નથી.
કોર્ટે માન્યું કે આ પ્રોજેક્ટ ‘જનહિત’ માટે જરૂરી છે અને AMCએ કાયદા હેઠળ યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યું છે. આથી, કોર્ટે ટ્રસ્ટની અરજી અને નોટિસ પર ચાર અઠવાડિયાનો સ્ટે આપવાની માંગ ફગાવી દીધી હતી.
આપણ વાંચો: ગુજરાત સરકારે કિશોરીઓને આત્મનિર્ભર બનાવવાનો હાથ ધર્યો સંકલ્પઃ પૂર્ણા યોજના વિશે વિગતવાર જાણો