
અમદાવાદઃ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં પારસી ધર્મગુરુઓનો સન્માન સમારંભ યોજાયો હતો. મુખ્ય પ્રધાનના હસ્તે પારસી ધર્મગુરુઓને સન્માનિત કરવામાં આવ્યા હતા.
પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સૌને ગીતા જયંતીની શુભકામનાઓ પાઠવતા જણાવ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે પોતાના ધર્મમાં નિષ્ઠાપૂર્વક જીવવું એ જ સૌથી મોટું કર્તવ્ય છે. પારસી સમાજના પૂર્વજોએ ભારતમાં આવીને ગીતાના ‘સ્વધર્મ’ના સંદેશને જીવ્યા છે અને કદી પોતાના ધર્મને છોડ્યો નથી.
પારસીઓએ ભગવદ્ ગીતાનો સ્વધર્મનો સંદેશ આત્મસાત કર્યો છે. પોતાના ધર્મની રક્ષા માટે 1300 વર્ષો પહેલા તેઓ ઈરાનથી સ્થળાંતરણ કરીને ગુજરાતમાં આવ્યા હતા અને સાકરની જેમ ભળી ગયા અને રાષ્ટ્રનિર્માણમાં પારસીઓનું મહામૂલું યોગદાન રહ્યું છે, એમ તેમણે ઉમેર્યું હતું.
જેમ ભગવાન શ્રી કૃષ્ણે આપેલું ગીતાનું જ્ઞાન સદીઓથી સચવાયું છે તેમ પવિત્ર આતશની રક્ષાથી ધર્મને ટકાવી રાખવાની ગાથા યુગો સુધી સચવાઈ રહે તે માટે નવસારીમાં ટાઈમ કેપ્યુલ મૂકીને ઇતિહાસને અમર રાખવાનું કાર્ય પારસી સમુદાય દ્વારા કરવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના મંત્રને આ ટાઈમ કેપ્સ્યુલ ચરિતાર્થ કરશે એમ તેમણે ઉમેર્યું હતું.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસની જે વિભાવના આપી છે એને પારસી સમુદાયે સાકાર કરી છે. સાથે જ, પારસી સમાજના વિસ્તાર માટે વડા પ્રધાનના માર્ગદર્શનમાં શરૂ કરવામાં આવેલી પીએમ જીઓ પારસી યોજનાનો પણ મુખ્ય પ્રધાને ઉલ્લેખ કર્યો હતો.
સખાવતનું બીજું નામ પારસીઓ
પારસી સમાજ ગુજરાતના સામાજિક જીવનમાં સમરસતાથી ભળી ગયો છે એમ જણાવીને મુખ્ય પ્રધાને કહ્યું હતું કે જ્યાં જ્યાં આ સમુદાય વસ્યો ત્યાં સખાવતના બીજ રોપાયા છે. તેમના પૂર્વજોએ હંમેશા સમાજને કંઈક ને કંઈક આપ્યું છે. એટલે જ કહેવાય છે કે સખાવતનું બીજું નામ પારસીઓ છે.
અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટની પારસી સમાજની દાનવીરતાની એ જ પરંપરાને આગળ વધારી રહ્યું છે. આ ટ્રસ્ટ હેલ્થકેર, એજ્યુકેશન અને સમાજ કલ્યાણ સહિતના વિવિધ ક્ષેત્રોમાં વંચિત સમુદાયના ઉત્થાનત માટે સમર્પિત રહ્યું છે. એચઆઇવી ગ્રસ્ત લોકો માટે પણ આ ટ્રસ્ટ કલ્યાણના અનેક કામો કરે છે. તેમના માધ્યમથી દર વર્ષે હજારો લોકોના જીવનમાં પરિવર્તન આવી રહ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્ય પ્રધાને આ તકે જણાવ્યું હતું કે માઇનોરિટી હોવા છતાં પણ પારસી સમુદાયે પોતાના સંસ્કારો, મૂલ્યો અને કુનેહને પેઢી દર પેઢી આગળ વધાર્યા છે. તેમણે આઝાદી કાળથી લઈને આજ સુધી દેશના વિવિધ ક્ષેત્રોમાં પોતાનું યોગદાન આપનારા મેડમ ભિખાઈજી કામા, હોમી ભાભા, તાતા, વાડિયા, ગોદરેજ પરિવારો, ફિલ્ડ માર્શલ સામ માણેકશા, ફરદુનજી મર્જબાન, નાની પાલખીવાલા, સોલી સોરાબજી, ફલી નરીમાન, સહિતના પારસી અગ્રણીઓને આ તકે યાદ કર્યા હતા.
અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ના ફાઉન્ડર ટ્રસ્ટી પીરુઝ ખંભાતા જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિકાસ વિથ વિરાસત’નો મંત્ર આપ્યો છે. પારસી પ્રિસ્ટ્સનું સન્માન આ મંત્રને સાકાર કરે છે. વિકાસમાં અગ્રેસર રહેતું ગુજરાત મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આરોગ્ય, શિક્ષણ, જીવનશૈલી સહિતની દરેક બાબતે સતત પ્રગતિ કરી રહ્યું છે. વિકસિત ભારતના નિર્માણમાં પારસી સમાજ પોતાનું સક્રિય યોગદાન આપવા તત્પર છે, એમ તેમણે ઉમેર્યું હતું. અરીઝ ખંભાતા બનેવોલન્ટ ટ્રસ્ટ (AKBT)ની કામગીરી અંગે તેમણે જાણકારી આપીને આવનારા સમયમાં પારસી સમાજમાં ધાર્મિક શિક્ષણમાં આગળ વધતા યુવાનો માટે શરૂ કરવામાં આવનાર શિષ્યવૃતિની જાહેરાત કરી હતી.
આ પણ વાંચો…અમદાવાદમાં પારસીઓ માટે સિનિયર સિટીઝન હોમ બનશે, નવસારીમાં કરવામાં આવ્યું આ કામ



