અમદાવાદમાં સ્કૂલમાં હિંસા: રખિયાલમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીએ શિક્ષકને છરીના ઘા ઝીંક્યા…

અમદાવાદ: શહેરના પૂર્વ વિસ્તાર રખિયાલની એક શાળામાં વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જેમાં નૂતન ભારતી વિદ્યાલયમાં લિવિંગ સર્ટિફિકેટ લેવા આવેલા વાલીને શાળા તરફથી શુક્રવારે આવવાનું કહ્યું હતું અને આથી ઉશ્કેરાઈ ગયેલા શિક્ષક પર છરીથી હુમલો કર્યો હતો. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.
સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો
મળતી વિગતો અનુસાર રખિયાલમાં આવેલી નૂતન ભારતી વિદ્યાલયમાં વાલીએ સ્કૂલના શિક્ષક પર છરી વડે હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ લેવા માટે જ્યારે તેના વાલી હાજી મુસ્તાક અહેમદ શાળાએ આવ્યા હતા ત્યારે તેઓ શાળાના આચાર્યને મળ્યા હતા અને બાદ, આ બહાર ક્લાર્ક-કમ-શિક્ષકને મળ્યા હતા અને તેમને એલસી માટે વાતચીત કરી હતી તે દરમિયાન તેમણે શુક્રવારે એલસી લેવા માટે આવવા જણાવ્યું હતું. આથી વાલી હાજી મુસ્તાક ઉશ્કેરાઈ ગયો હતો.
રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ
એલસી માટેની વાતચીતથી ઉશ્કેરાઈ ગયેલા શિક્ષકે શબ્બીર શેખને લાફો મારી દીધો હતો. આ દરમિયાન શબ્બીર શેખ પર હાજી મુસ્તાકે તેના ખિસ્સામાંથી છરી કાઢીને હુમલો કર્યો હતો. આ જોઈને શાળાનો સ્ટાફ ભેગો થઈ ગયો હતો અને બંનેને છૂટા પાડયા હતા. શબ્બીર શેખને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હુમલાની ઘટનામાં તેમને માથાના ભાગે ઈજા પહોંચી હતી અને 7 જેટલા ટાંકા આવ્યા હતા. આ ઘટના બાદ શબ્બીર શેખે રખિયાલ પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.