અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત | મુંબઈ સમાચાર

અમદાવાદમાં વસેલા છે પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશ, જાણો વિગત

અમદાવાદઃ શહેરમાં કેટલાક એવા વિસ્તારો આવેલા છે જેનું નામ સાંભળીને આશ્ચર્ય થશે. શહેરમાં તાજેતરમાં દાખલ થયેલી એક એફઆઈઆર એક સરનામાના કારણે ચર્ચામાં આવી હતી. આ સરનામું પાકિસ્તાન કોલોની, રેલવે કોલોની, સાબરમતી છે. સ્થાનિકો દ્વારા છેલ્લા ત્રણ દાયકાથી આ નામનો ઉપયોગ કરવામાં આવે છે. હકીકતમાં આ વિસ્તારમાં સાબરમતીમાં રેલવે કોલોની પાછળ આવેલી જમીનનો એક હિસ્સો છે, એક સમયે આ વિસ્તાર ઉજ્જડ હતો. શહેરનો વિકાસ થવા છતાં આ કોલોનીનું હુલામણું નામ આજે પણ અસ્તિત્વમાં છે અને સ્થાનિકો તેનો ઉપયોગ કરે છે. રસપ્રદ વાત એ છે કે, અમદાવાદમાં આવા અસામાન્ય નામવાળી આ એકમાત્ર જગ્યા નથી.

સ્થાનિક બોલચાલામાં વ્યાપક થાય છે ઉપયોગ

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શહેરમાં આવેલું આ એકમાત્ર ‘પાકિસ્તાન’ નથી. વટવાના ચાર માળિયા વિસ્તારમાં તમને માત્ર ‘પાકિસ્તાન’ જ નહીં, પણ ‘શ્રીલંકા’ અને ‘બાંગ્લાદેશ’ પણ મળશે – આ વિસ્તારોને રહેવાસીઓના વંશીય માળખાના આધારે આવા નામ મળ્યા છે. આ નામોને સત્તાવાર રીતે ક્યારેય માન્યતા આપવામાં આવી નથી, છતાં તે સ્થાનિક બોલચાલમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે અને કાયદાકીય દસ્તાવેજોમાં પણ તેનો ઉલ્લેખ થતો રહે છે.

કેવી રીતે અહીં પાકિસ્તાન શબ્દનો થયો ઉદ્ભવ થયો

સૌથી તાજેતરનું ઉદાહરણ 16 મેના રોજ સામે આવ્યું હતું. સાબરમતી પોલીસે દારૂબંધીના એક કેસમાં એફઆઈઆર નોંધી અને એક આરોપીનું સરનામું સાબરમતીમાં પાકિસ્તાન કોલોની તરીકે દર્શાવ્યું હતું. લાંબા સમયથી રહેતા નિવાસીઓ અને રેલવે કર્મચારીઓના મતે, ‘પાકિસ્તાન’ નામ 35 વર્ષથી પણ જૂનું છે. આ શબ્દના ઉદ્ભવ અંગે સૂત્રોએ જણાવ્યું રેલવે ટ્રેક પાછળ અને રેલવે કોલોનીને અડીને એક ઉજ્જડ અને નિર્જન વિસ્તાર હતો. રેલવે કર્મચારીઓ, અમુક ચોક્કસ જગ્યાથી આગળ સુવિધાઓના અભાવથી નિરાશ થઈને, તેને બોર્ડર કહેવા લાગ્યા. સમય જતાં, તે નામ બદલાઈને પાકિસ્તાન થઈ ગયું. ભલે આ વિસ્તારનો આજે ખૂબ વિકાસ થયો હોય પરંતુ આ નામ આજે પણ યથાવત્ છે.

આપણ વાંચો:  સુરત એરપોર્ટ પરથી દુબઈથી આવેલા પેસેન્જર પાસેથી 28 કિલો સોનાની પેસ્ટ જપ્ત કરવામાં આવી

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, વટવામાં સ્થાનિકોએ રહેવાસીઓના ક્લસ્ટર્સના આધારે પોતે જ આ નામો પાડ્યા છે. આ વિસ્તારો બંગાળી મુસ્લિમો અને દક્ષિણ રાજ્યોના લોકો મોટી સંખ્યામાં રહે છે. તેથી વટવા ચાર માળિયામાં ‘પાકિસ્તાન’, ‘શ્રીલંકા’, ‘બાંગ્લાદેશ’ અને ‘ભારત’ જેવા નામ પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા ચંડોળા તળાવમાં ગેરકાયદે બનાવવામાં આવેલી કોલોની પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. આ વિસ્તાર મીની બાંગ્લાદેશ તરીકે ઓળખાતો હતો.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button