અમદાવાદમાંથી પાકિસ્તાની મહિલા ઝડપાઈ, આ રીતે ફૂટ્યો ભાંડો…

અમદાવાદઃ શહેરમાં મિનિ બાંગ્લાદેશ તરીકે ઓળખાતા ચંડોળા તળાવના ડિમોલિશન વખતે ગેરકાયદે રહેતા ઘણા બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા. પરંતુ આ વખતે પાકિસ્તાની મહિલા ઝડપાઈ હતી. શહેરના સરસપુર વિસ્તારમાં આવેલી શારદાબેન હોસ્પિટલમાં મહિલા ગર્ભપાત કરાવવા ગઈ હતી તે સમયે સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે મહિલા અને તેના પરિવારની પૂછપરછ શરૂ કરી હતી.
મળતી વિગત પ્રમાણે, અમદાવાદના સરસપુરની શારદાબેન હોસ્પિટલમાં એક મહિલા ગર્ભપાત માટે આવી હતી. હોસ્પિટલની પ્રોસેસ પૂરી કરવા માટે તેની પાસે ઓળખ પુરાવો માંગવામાં આવ્યો હતો. આ સમયે મહિલાએ ઓળખના પુરાવા તરીકે પાસપોર્ટ આપ્યો હતો. જેના કારણે સ્ટાફને થોડી નવાઈ લાગી હતી. પાસપોર્ટ જોતાં મહિલા પાકિસ્તાની હોવાનું અને તેના વિઝા માર્ચ મહિનામાં જ પૂર્ણ થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું.
પાકિસ્તાની મહિલાને એડમિટ રૂમના બદલે અલગ વોર્ડમાં રાખીને પોલીસને જાણ કરવામાં આવી હતી. મહિલા અને તેનો પરિવાર માર્ચથી ગેરકાયદેસર વસવાટ કરતો હતો. પોલીસે પહોંચીને તપાસ શરૂ કરી હતી.
આપણ વાંચો : પાકિસ્તાન પાર કરી ગયેલી નાગપુરની મહિલાને પાછી લાવ્યા બાદ બીજી જૂન સુધીની પોલીસ કસ્ટડી