સોમનાથના ધારાસભ્યએ ગેરકાનૂની ખનન અટકાવવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી | મુંબઈ સમાચાર
અમદાવાદ

સોમનાથના ધારાસભ્યએ ગેરકાનૂની ખનન અટકાવવા માટે ગુજરાત હાઈ કોર્ટમાં અરજી કરી

અમદાવાદઃ સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ જૂનાગઢ અને ગીર સોમનાથમાં ગેરકાનૂની ખનનના મુદ્દે ગુજરાત હાઇ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. વિમલ ચુડાસમાએ હાઇકોર્ટમાં અરજી કરીને આ ગેરકાનૂની ખનન રોકવાની માગ કરી હતી. જો કે, આ અરજી કોર્ટ સમક્ષ રજૂ થતા જ સરકારી વકીલે બે વાંધા ઉઠાવ્યા હતા. પહેલો વાંધો એ હતો કે, આ અરજી કરવા પાછળ અરજદારનું કોઈ લોકસ નથી અને બીજું ધારાસભ્યે પક્ષકાર તરીકે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ જોડ્યા હતા. તેની સામે વાંધો હતો.

અરજદારે શું કહ્યું?

અરજદાર ધારાસભ્યે જણાવ્યું હતું કે, તેમણે જાતે મુખ્ય પ્રધાન સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી, એટલે મુખ્ય પ્રધાનને પક્ષકાર બનાવાયા છે. ગીર સોમનાથ અને જૂનાગઢમાં મોટા પાયે લાખો ટન ગેરકાનૂની ખનન થઈ રહ્યું છે. કોર્ટે લોકસ વિશે કહ્યું હતું કે, સરકાર આમ અરજદારનો વિરોધ ના કરી શકે, કારણ કે તે પ્રજાના પ્રતિનિધિ છે.

સરકારી વકીલે શું કહ્યું?

સરકારી વકીલે જણાવ્યું હતું કે, આ લીઝમાં રસ ધરાવતા બે ગ્રુપ વચ્ચેની મેટર છે. ધારાસભ્યને ચોરવાડના જિયો લોજિસ્ટે જવાબ આપ્યો હતો. વળી અરજદાર કોઈ લીઝ ધરાવતા નથી. જે લોકોને ખનન માટે લીઝ મળી અને લીઝ નથી મળી તે લોકો કોર્ટ સમક્ષ નથી. જોકે, કોર્ટે કહ્યું હતું કે અરજદાર ધારાસભ્ય લીઝ સામે નહીં, પરંતુ ગેરકાનૂની ખનન સામે કોર્ટમાં આવ્યા છે.

મિનરલ માફિયાઓ બેફામ

અરજદારના વકીલે જણાવ્યું હતું કે, જ્યાં લીઝ નથી અપાઈ તે વિસ્તારમાં પણ ખનન થઈ રહ્યું છે. ચોરવાડમાં મોટા પાયે આવી સ્થિતિ જોવા મળી રહી છે. મિનરલ માફિયાઓ બેફામ બન્યા છે. સરકારી વકીલે તેની ઉપર પગલા લઈને શો કોઝ નોટિસ અપાઈ હોવાનું જણાવ્યું હતું. જોકે, હાઇકોર્ટે સરકારને એફિડેવિટ ફાઇલ કરવા અને અરજદારને પક્ષકારોના મુખ્ય પ્રધાનને દૂર કરવા જણાવ્યું હતું. આ મુદ્દે વધુ સુનાવણી 22 સપ્ટેમ્બરે યોજાશે.

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button