અમદાવાદટોપ ન્યૂઝ

પહેલગામ હુમલો: ભાવનગરના મૃતદેહોને અમદાવાદ લવાયા; હર્ષ સંઘવી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ત્રણ ગુજરાતીઓના પાર્થિવ દેહ આજે ગુજરાત લાવવામાં આવ્યા હતા. આ સમાચાર લખવામાં આવી રહ્યા છે ત્યાં સુધીમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવકના મૃતદેહોને તેમના વતન ખાતે પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવી હતી.

મૃતદેહોને અમદાવાદ એરપોર્ટ લવાયા
ભાવનગરના બે મૃતકો, જેઓ પિતા અને પુત્ર હતા, તેમના મૃતદેહોને હવાઈ માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યા હતા. એરપોર્ટ પર રાજ્યના મંત્રીઓ દ્વારા તેમને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી, રાજ્યના પ્રવકતા મંત્રી રાઘવજી પટેલ, રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય વગેરે મૃતદેહોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ત્યારબાદ બંનેના પાર્થિવ દેહને રોડ માર્ગે તેમના વતન ભાવનગર તરફ રવાના કરવામાં આવ્યા હતા. આવતીકાલે ભાવનગરમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

સુરતના યુવકના મૃતદેહને ફ્લાઇટ દ્વારા સુરત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા તેમના અન્ય છ સંબંધીઓને પણ શ્રીનગરથી દિલ્હી અને ત્યારબાદ દિલ્હીથી સુરત હવાઈ માર્ગે સુરક્ષિત રીતે પહોંચાડવામાં આવ્યા હતા. થોડીવારમાં જ યુવકનો મૃતદેહ સુરત એરપોર્ટ પર પહોંચશે, જ્યાં તેમના પરિવારજનો અને સ્થાનિક લોકો તેમને શ્રદ્ધાંજલિ આપશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button