Top Newsઅમદાવાદ

લોકસંસ્કૃતિના ધબકાર શાંત! પદ્મશ્રી જોરાવરસિંહ જાદવનું ૮૫ વર્ષની વયે નિધન, ગુજરાતે એક ‘વિરાસત’ ગુમાવી

અમદાવાદ: ગુજરાતના લોકસાહિત્ય, લોકકલા અને સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય ફલક પર ગૌરવ અપાવનાર, પદ્મશ્રી જોરાવરસિંહ દાનુભાઈ જાદવનું ૮૫ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેમના નિધનના સમાચારથી ગુજરાતના લોક સાહિત્ય અને કલા જગતમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ ગઈ છે. લોકસાહિત્યના આ દિગ્ગજ સંશોધકે તેમના જીવનકાળ દરમિયાન ૯૦થી વધુ લોકસંસ્કૃતિ-વિષયક પુસ્તકો આપીને ગુજરાતી લોકવારસાને ચિરંજીવ બનાવ્યો છે.

અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના આકરુ ગામના રાજપૂત ખેડૂત પરિવારમાં જન્મેલા જોરાવરસિંહ જાદવે બાળપણથી જ લોકજીવન અને તેની સંસ્કૃતિને નજીકથી જોઈ હતી. બી.એ. અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક થયા બાદ તેમનું સંપૂર્ણ જીવન લોકસાહિત્યના સંશોધન અને પ્રચાર માટે સમર્પિત કર્યું હતું.

૧૯૬૮માં તેમનું પહેલું પુસ્તક ‘મરદ કસુંબલ રંગ ચડે’ પ્રકાશિત થયું હતું, જે લોકસંસ્કૃતિના અભ્યાસનો આરંભ હતો. તેમણે લોકનૃત્યો, લોકવાદ્યો, લોકગીતો, વેશભૂષા, અને વીરરસની ગાથાઓ પર સંશોધન કરીને અસંખ્ય ગ્રંથોનું સંપાદન કર્યું છે. આ કારણે જ તેમને લોકસંસ્કૃતિના એક મહત્વપૂર્ણ સંશોધક અને પ્રચારક તરીકેની નામના મળી હતી. તેમણે ‘સહકાર’ સાપ્તાહિક અને ‘ગ્રામસ્વરાજ’ જેવા માસિકોનું પણ સંપાદન કર્યું હતું.

લોકસંસ્કૃતિમાં તેમના અમૂલ્ય યોગદાન બદલ તેમને ભારત સરકાર દ્વારા પદ્મશ્રી સહિત અનેક રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધંધુકાના આકરુ ગામે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય ‘વિરાસત’નું લોકાર્પણ કર્યું હતું. આ સંગ્રહાલયમાં પ્રાચીન ચીજવસ્તુઓ અને ખ્યાતનામ ચિત્રકારોની કૃતિઓનું પ્રદર્શન જોવા મળશે. કાર્યક્રમને સંસ્કૃતિના ગૌરવગાનનો અવસર ગણાવી મુખ્ય પ્રધાને સંસ્કૃતિના જતન માટેના 60 વર્ષના પુરુષાર્થ તથા ‘વિરાસત’ સંગ્રહાલયનું નિર્માણ તેમના સંશોધન અને લોકકલાના સંગ્રહનું જીવતું જાગતું પ્રતીક છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button