અમદાવાદમાં ઓવરલોડ લક્ઝરી બસે યુવકનો ભોગ લીધો: ઝાડની ડાળ તૂટી પડતા મોત, ચાલક સામે ગુનો દાખલ

અમદાવાદઃ શહેરના શાહીબાગ વિસ્તારમાં ઓવરલોડ લકઝરી બસના કારણે ઝાડની ડાળ તૂટીને યુવક પર પડી હતી. જેના કારણે તેનું મૃત્યુ થું હતું. જેને લઈ બસના ચાલક સામે માનવવધની ફરિયાદ નોંધાઈ હતી.
મળતી વિગત પ્રમાણે, શાહીબાગ નમસ્તે સર્કલ પાસેથી એક લક્ઝરી બસ પસાર થઈ રહી હતી. આ બસમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ સામાન ભરવામાં આવ્યો હતો. જેના કારણે બસની છત પર રાખેલો સામાન ઝાડની ડાળી સાથે અથડાયો અને ડાળી તૂટીને નીચે પડી હતી. આ સમયે ત્યાંથી એક યુવક પસાર થઈ રહ્યો હતો. યુવક પર આ ડાળી પડતાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
અકસ્માત બાદ યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે લક્ઝરી બસના ચાલક સામે માનવવધનો ગુનો દાખલ કર્યો હતો. અમદાવાદમાં ઓવરલોડ વાહનોના કારણે સર્જાતા અકસ્માતો એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ પ્રકારના વાહનો માત્ર ટ્રાફિકના નિયમોનું જ ઉલ્લંઘન નથી કરતા પરંતુ અકસ્માતનું જોખમ પણ વધારે છે.
ઓવરલોડ વાહન પર સતત દબાણના કારણે બ્રેક સિસ્ટમ ગરમ થઈ જાય છે અને ખરાબ થઈ શકે છે, જેનાથી અકસ્માત થવાની શક્યતા વધી જાય છે. આ ઉપરાંત ઓવરલોડ વાહનો પરનો સામાન ઘણીવાર વાહનની બહાર નીકળતો હોય છે, જે અન્ય વાહનચાલકો માટે અવરોધ ઊભો કરે છે. આના કારણે અન્ય વાહનો સાથે ખાસ કરીને સાંકડા રસ્તાઓ પર અકસ્માત થવાની પણ શક્યતા રહે છે.
આપણ વાંચો: ગુજરાતમાં આયુર્વેદ અને હોમિયોપેથીથી કેમ દૂર ભાગી રહ્યા છે વિદ્યાર્થીઓ? જાણો શું છે કારણ