અમદાવાદ

ખતરાની ઘંટડી: ગુજરાતમાં દર 6 મિનિટે એક કાર્ડિયાક ઈમરજન્સી, 108ના આંકડાએ ચિંતા વધારી

અમદાવાદઃ વર્ષ 2025માં રાજ્યાં 98,582 કર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ હતી. જે રાજ્યમાં 2007માં EMRI 108 સેવા શરૂ થયા પછીની સૌથી વધુ સંખ્યા છે. દિવસની અંદાજે 270 ઈમરજન્સી અને દર છ મિનિટે એક કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ હતી. 2023 અને 2024 માં અનુક્રમે 72,573 અને 84,738 વાર્ષિક કાર્ડિયાક સંબંધિત ઈમરજન્સી નોંધાઈ હતી. આમ, EMRI એ આ શ્રેણીની ઈમરજન્સીમાં વાર્ષિક 16-17% નો વધારો નોંધ્યો છે.

કુલ કાર્ડિયાક ઈમરજન્સીના 47% કેસો આ ચાર શહેરના

વર્ષ 2025 માં, કાર્ડિયાક સંબંધિત કેસોમાં 16% નો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. રાજ્યના ચાર મુખ્ય શહેરો પૈકી અમદાવાદમાં સૌથી વધુ 27,297 કાર્ડિયાક ઈમરજન્સી નોંધાઈ હતી. ત્યારબાદ સુરતમાં 8,071, રાજકોટમાં 6,074 અને વડોદરામાં 5,135 કેસો નોંધાયા હતા. EMRI મુજબ, કુલ કાર્ડિયાક ઈમરજન્સીના 47% કેસો આ ચાર મુખ્ય શહેરોમાં જ નોંધાયા હતા.

કેમ વધ્યા કાર્ડિયાક ઈમરજન્સીના કેસ

સૂત્રોના કહેવા પ્રમાણે આ આંકડાઓને ડાયાબિટીસ, હાઈપરટેન્શન (બ્લડ પ્રેશર) અને મેદસ્વીતા જેવા જીવનશૈલી સંબંધિત રોગોના એકંદર વધારાના સંદર્ભમાં જોવાની જરૂર છે. કોવિડ મહામારી પછી વિવિધ કારણોસર હૃદયરોગના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે પુરુષો, સ્ત્રીઓ, યુવાન કે વૃદ્ધ – એમ તમામ શ્રેણીઓમાં કેસો વધી રહ્યા છે. બેઠાડું જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ આહાર મુખ્ય પરિબળો છે.

આ ઉપરાંત સૂત્રોએ ઉમેર્યું હતું કે, નાની ઉંમરે આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ અન્ય લોકો માટે ચેતવણીરૂપ સાબિત થઈ રહ્યા છે. લોકો હવે હૃદય સંબંધિત સમસ્યાના પ્રારંભિક તબક્કે જ EMRI 108 ને ફોન કરે છે, જે એક આવકારદાયક સંકેત છે. લક્ષણોની દ્રષ્ટિએ છેલ્લા કેટલાક વર્ષોની સરખામણીમાં 2025 માં કોઈ મોટો ફેરફાર થયો નથી. જે બદલાયું છે તે મુખ્યત્વે હેલ્થ ચેકઅપ દ્વારા વધેલી જાગૃતિ છે, જે ઘણીવાર સમસ્યાને વહેલી શોધવામાં મદદ કરે છે.

કયા વર્ષે કેટલા કાર્ડિયાક કેસ નોંધાયા

વર્ષ કેસ
2021 49,275
2022 63,877
2023 72,573
2024 84,738
2025 98,582
source: EMRI 108

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button