અમદાવાદ સિવિલમાં અઢી હજારથી વધુ કર્મચારીઓ આઉટસોર્સિંગ પર! કરોડોનો ખર્ચ એજન્સીઓને?

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે, અને આ મુદ્દે અનેક વખત સરકાર સામે આઉટસોર્સિંગથી ભરતી થયેલા કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે આંદોલન પણ થયા. જો કે હજુ પણ આઉટસોર્સિંગથી ભરતીઓ થઈ રહી છે.
જો કે આ દરમિયાન સરકારે સ્વીકાર્યું હતું કે અમદાવાદ સિવિલમાં આઉટસોર્સિંગ કર્મચારીની સંખ્યા અઢી હજાર કરતાં પણ વધુ છે.
વિધાનસભામાં વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકની અમદાવાદ અને સુરત સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓની સંવર્ગવાર સંખ્યા અંગે પ્રશ્ન કર્યો હતો. જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓ વર્ગ ત્રણ કક્ષાના વહીવટી સ્ટાફની સંખ્યા 113, પેરમેડિકલ સ્ટાફની સંખ્યા 490, વર્ગ 4ના 1605, સિક્યુરિટી ગાર્ડની સંખ્યા 523 છે.
આપણ વાંચો: યુ.પી.માં પોલીસકર્મીઓની ભરતી આઉટસોર્સિંગથી થશે! પ્રિયંકા અને અખિલેશે ભાજપ સરકારની ટીકા કરી
તે ઉપરાંત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં આઉટસોર્સના કર્મચારીઓ વર્ગ ત્રણ કક્ષાના વહીવટી સ્ટાફની સંખ્યા 174, પેરમેડિકલ સ્ટાફની સંખ્યા 220, વર્ગ 4ના 620, સિક્યુરિટી ગાર્ડની સંખ્યા 206 છે.
વધુમાં આ આઉટસોર્સ પર કામ કરતા કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન કેટલો ખર્ચ કરવામાં આવ્યો તે અંગે પ્રશ્ન કરવામાં આવ્યો હતો,જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. 75,47,88,212 તેમજ સુરત શહેરમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન રૂ. 33,60,07,909 નો ખર્ચ કરવામાં આવ્યો હતો.
જો કે આ પૈકી રૂ. 61,55,03,756 અમદાવાદ શહેરમાં આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે તેમજ રૂ. 2,15,10,330 એજન્સીને સર્વિસ ચાર્જ પેટે ચૂકવવામાં આવ્યા હતા. જ્યારે સુરત શહેરમાં રૂ.27,53,65,950 આઉટસોર્સ કર્મચારીઓના પગાર પેટે તેમજ રૂ. 93,90,611 એજન્સીને સર્વિસ ચાર્જ પેટે ચૂકવવામાં આવ્યા હતા.