ગુજરાત સહિત સાત રાજ્યમાં ત્રણ સપ્તાહમાં 25 BLOના મોતથી હાહાકાર

અમદાવાદઃ ગુજરાત સહિત દેશભરમાં હાલ ગુજરાતમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) હાથ ધરવામાં આવી રહી છે. ત્રણ સપ્તાહમાં ગુજરાતના ચાર સહિત દેશના વિવિધ રાજ્યોમાં મળી 25 બુથ લેવલ ઓફિસર (BLO)ના મોતથી હાહાકાર મચી ગયો છે. મધ્ય પ્રદેશમાં સૌથી વધુ 9 બીએલઓના મૃત્યુ થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં પણ ચાર બીએલઓએ કામગીરી દરમિયાન જીવ ગુમાવ્યો છે.
ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં મતદાર યાદીમાં સઘન સુધારણા કામગીરી (એસઆઈઆર-સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન)ને પડકારતી તમામ અરજી પર એક સાથે સુનાવણી થઈ હતી. કેરળ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં ચાલી રહેલી SIRની કામગીરીને પડકારવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતના નેતૃત્વ હેઠળની બેંચે ચૂંટણી પંચને પહેલી ડિસેમ્બર સુધી જવાબ આપવા જણાવ્યું છે. તમામ રાજ્યોએ SIR મુદ્દે ચૂંટણી પંચને 1 ડિસેમ્બર 2025 સુધીમાં જવાબ આપવો પડશે. કેરળના મામલાની સુનાવણી 2 ડિસેમ્બરે થશે, જ્યારે અન્યની સુનાવણી 9 ડિસેમ્બરના રોજ થશે. પશ્ચિમ બંગાળમાં બીએલઓ (બુથ લેવલ ઓફિસર)ના મૃત્યુ મુદ્દે પણ 1 ડિસેમ્બર સુધી જવાબ માંગવામાં આવ્યો છે.
રાજ્યમાં BLOની કામગીરીના ભારણને કારણે ચાર શિક્ષકોના મૃત્યુ
રાજ્યમાં બીએલઓની કામગીરી કરતાં ચાર શિક્ષકોના અત્યાર સુધીમાં મૃત્યુ થયા છે. તાપીના વાલોડમાં 19 નવેમ્બરે BLO સહાયક તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. જે બાદ 20 નવેમ્બરે કોડીનાર તાલુકાના છારા ગામે ફરજ બજાવતા શિક્ષક અને BLO અરવિંદ મૂળજી વાઢેરએ આત્મહત્યા કરી હતી. શિક્ષકે વતન દેવળી ખાતે માનસિક તણાવ અને ઉપલી કચેરીના કામના દબાણના લીધે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું.
21 નવેમ્બરના રોજ ખેડાના કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું BLOની કામગીરી દરમિયાન હાર્ટ એટેકથી મોત થયું હતું. 22 નવેમ્બરે વડોદરામાં BLO સહાયક તરીકેની કામગ રી કરતાં ઉષાબેન સોલંકી અચાનક ઢળી પડ્યા હતા. વડોદરાની પ્રતાપ સ્કૂલમાં બીએએલઓ સહાયક તરીકેની કામગીરી કરતાં ઉષાબેન ઇન્દ્રસિંહ સોલંકી અચાનક ઢળી પડ્યા હતા, તેમને તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
ત્રણ સપ્તાહમાં જ 25 બીએલઓના મૃત્યુથી ચૂંટણી પંચની ચિંતા વધી છે. આ દરમિયાન તૃણમુલ કોંગ્રેસે માત્ર પશ્ચિમ બંગાળમાં જ 34 લોકોના મોતનો દાવો કર્યો છે, જોકે હજુ કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. ચૂંટણી પંચના સૂત્રો મુજબ અત્યાર સુધી કામના દબાણથી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી.
આપણ વાંચો: વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ માટે ગુજરાતી હિટ ફિલ્મ ‘લાલો’નું ખાસ સ્ક્રીનિંગ



