પોલીસને હંફાવે એવો કેસ એક શ્વાને ચપટી વગાડતા ઉકેલી દીધો, જાણો અમદાવાદના આ કિસ્સા વિષે…

અમદાવાદ: અન્ય પ્રાણીઓ કરતા શ્વાનને માણસોના સૌથો નજીકના મિત્ર માનવામાં આવે છે, દરેક ગામ અને શહેરમાં શ્વાન અને માણસોની મિત્રતાના કિસ્સાઓ હશે જ. ગંધ પારખવાની શક્તિને કારણે શ્વાન ગુના ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવે છે, શ્વાન ઘણા અશક્ય લાગતા કેસોને સરળતાથી ઉકેલવામાં મદદ કરી શકે છે. જેના કારણે લગભગ દરેક દેશમાં પોલીસ દળ સાથે શ્વાન રાખવામાં આવે છે. તાજેતરમાં અમદાવાદમાં એક શ્વાને એક ચોરીના ગુનાને ઉકેલવા પોલીસને મદદ કરી હતી.
ડોબરમેન બ્રીડની ઓરિયો (Oriyo) નામની એક માદા શ્વાને અમદાવાદના મણીનગરમાં થયેલી ચોરીનો કેસ કલાકોમાં ઉકેલ્યો હતો.
શું હતો મામલો?
ગત શુક્રવારની મોડી રાત્રે અમદાવાદના મણિનગર વિસ્તારમાં એક ઉદ્યોગપતિના ઘરમાં ચોરી થઇ હતી. તસ્કરોએ રોકડ, લક્ઝરી ઘડિયાળો, એક આઇફોન સહીત કુલ 13.96 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ઉદ્યોગપતિએ તરત જ પોલીસને ફોન કર્યો, પોલીસે સમય ગુમાવ્યા વગર તાત્કાલિક કાર્યવાહી શરુ કરી.
અધિકારીઓએ CCTC ફૂટેજ તપાસ્યા, જેમાં એક શખ્સ કમ્પાઉન્ડ વોલ કૂદતા દેખાયો. જોકે વીડિયો અસ્પષ્ટ હતો, જેને કારણે તસ્કરની ઓળખ અશક્ય હતી. મર્યાદિત પુરાવા સાથે, મણિનગર પોલીસે ફક્ત બોડી લેંગ્વેજના આધારે પાંચ શંકાસ્પદોને ધરપકડ કરી, જોકે તમામે આ ચોરીમાં સંડોવણીનો ઇનકાર કર્યો.
ઓરીયોએ આ રીતે કેસ ઉકેલ્યો:
પોલીસ અધિકારીએ શ્વાન યુનિટનો સંપર્ક કર્યો. પોલીસ અધિકારી ઓરિયો સાથે અડધા કલાકમાં ઘટના સ્થળે પહોંચ્યા, આ સાથે જ તપાસમાં વળાંક આવ્યો. ઓરિયોએ રોકડ અને કિંમતી વસ્તુઓ જ્યાં રાખવામાં આવી હતી એ ડ્રોઅર સુંઘ્યું. ઓરીયોએ ગંધ સુંઘી લીધી, ત્યાર બાદ ઓરીયોને પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી જ્યાં શંકાસ્પદોને રાખવામાં આવ્યા હતાં.
પોલીસ સ્ટેશનમાં પાંચેય શંકાસ્પદોને ઓરિયો સામે લાવવામાં આવ્યા, પહેલા તમામ શંકાસ્પદો શાંત દેખાતા હતા. પહેલા ઓરિયોએ રૂમમાં આમથી તેમ આંટા માર્યા પછી અચાનક એક શંકાસ્પદ પાસે અટકી ગઈ અને શંકાસ્પદની છાતી પર કૂદી પડી. ગભરાયેલા શંકાસ્પદે ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધું.
આરોપીની કબુલાત મુજબ પોલીસે તેના ઘરની તપાસ કરી અને ચોરી થયેલી તમામ વસ્તુઓ મળી આવી. ઓરિયોની કુશળતાને કારણે આ કેસ કલાકોમાં ઉકેલાઈ ગયો. ઓરિયોની મદદ વગર આ કેસ ઉકેલવામાં પોલીસને ખુબ મુશ્કેલી પડી હોત અને સમય અને રિસોર્સીસનો પણ વેડફાટ થયો હોય. હવે ઓરીયોને શાબાશી મળી રહી છે.
આપણ વાંચો : Gujarat Weather: ગરમીમાં વરસાદની આગાહીથી ધરતીપુત્રો બન્યા ચિંતિત, જાણો ક્યાં પડશે કમોસમી વરસાદ
પોલીસ અધિકારીએ જણાવ્યું કે ઓરિયો માત્ર 20 દિવસની હતી ત્યારથી પોલીસ ડોગ એકેડેમીમાં છે. તેને કાળજીપૂર્વક તાલીમ આપવામાં આવી, જેને કારણે તે ગુના ઉકેલવામાં એક્સપર્ટ બની ગઈ છે. ભવિષ્યમાં ઓરીયો ઘણા ગુના ઉકેલવામાં આવી જ મદદ કરે તેવી આશા છે.