ગુજરાતમાં એક વર્ષની મુદત પુરી થયા બાદ માત્ર આટલી જ પ્રી-સ્કૂલોએ કરાવ્યું રજિસ્ટ્રેશન, જાણો વિગત

અમદાવાદઃ ગુજરાતમાં અનેક બંગ્લા અને બિલ્ડિંગમાં હજારો પ્રી-સ્કૂલો (pre schools) ચાલે છે. પરંતુ સરકારે લાગુ કરેલી પ્રી-સ્કૂલોની પોલીસી અંતર્ગત એક વર્ષની મુદત પુરી થયા બાદ પણ માંડ 400 જેટલી જ પ્રી-સ્કૂલોનું રજિસ્ટ્રેશન થયું છે. રજિસ્ટર્ડ ભાડા કરાર અને એજ્યુકેશન બી.યુ પરમિશન સહિતના નિયમોને લઈને વિરોધ અને છૂટછાટ આપવાની અનેકવાર રજૂઆતો સાથે આંદોલન કરવા છતાં પણ સરકારે નિયમો હળવા કર્યા નથી.
રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2024માં વિધિવત રીતે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરીને પ્રી-સ્કૂલોની નોંધણી કરવાનું શરૂ કર્યુ હતુ. નોંધણી માટે એક વર્ષની મુદત આપવામા આવી હતી. પરંતુ નિયમોમાં એજ્યુકેશનલ બી.યુ પરમિશનથી માંડી રજિસ્ટર્ડ ભાડા કરાર સહિતની જોગવાઈ હોવાથી સ્કૂલોની નોંધણી જ થઈ શકે તેમ ન હતી. હાલ એક વર્ષની મુદત પુરી થઈ ગઈ છે, ત્યારે રાજ્યની અંદાજે 25થી 30 હજાર જેટલી પ્રી-પ્રાયમરી સ્કૂલોમાંથી માંડ 400થી 450 જેટલી જ પ્રી-સ્કૂલોની નોંધણી થઈ શકી છે. જ્યારે પોર્ટલમાં 2100થી વધુ પ્રી-સ્કૂલોની અરજીઓ આવી છે.
આ પણ વાંચો: ભૂલકાંઓ જ્યાં જાય છે તે પ્રિ-સ્કૂલની સુરક્ષાના નામે મીંડુ, ફાયર સેફ્ટીની સુવિધા જ નથી
રાજ્ય સરકારે નોન ગ્રાન્ટેડ-ખાનગી પ્રી સ્કૂલોને પણ સ્કૂલ શિક્ષણ સમાવવા સાથે 15મી મે 2023ના રોજ પ્રી-સ્કૂલ પોલીસીનો ઠરાવ કર્યો હતો. જેમાં રાજ્યમાં આવેલી તમામ ખાનગી પ્રી-પ્રાયમરી સ્કૂલોની નોંધણી ફરજિયાત કરવામા આવી હતી. રાજ્ય સરકારે પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને ગુજરાત સ્ટેટ પ્રી-પ્રાયમરી રેગ્યુલેટરી ઓથોરિટી તરીકે નિમી હતી. આ પોલીસી અંતર્ગત રાજ્ય સરકારે ફેબ્રુઆરી 2024માં વિધિવત રીતે રજિસ્ટ્રેશન પોર્ટલ શરૂ કરીને પ્રી-સ્કૂલોની નોંધણી કરવાનું શરૂ કર્યુ હતું.
આ પણ વાંચો: રાજકોટની મોટાભાગની પ્રી-સ્કૂલો,સ્કુલો અને ક્લાસીસોમા ગેરકાયદે ડોમ અને ફાયરસેફ્ટીનો અભાવ…
પ્રી-સ્કૂલોના એસોસિએશન દ્વારા સરકારને અનેકવાર લેખિત રજૂઆત કરવામા આવી હતી. રજૂઆત બાદ પ્રી-સ્કૂલોએ સંસ્થાઓ બંધ રાખવા સહિતનું આંદોલન પણ કર્યુ હતું તેમજ છેલ્લે સરકાર સાથે મીટિંગ પણ થઈ હતી. સરકારે કેટલાક નિયમોમાં છૂટછાટ આપવા આશ્વાસન આપ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જો કે, મુદત પુરી થયા બાદ પણ સરકારે હાલ રજિસ્ટ્રેશન પોર્ટલ ઓપન રાખ્યું છે.