ઓમર અબદુલ્લાએ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર દોડ લગાવીઃ પ્રવાસન ઉદ્યોગને પ્રોત્સાહન આપવા હાકલ કરી…

અમદાવાદ: જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લા ગુજરાતના બે-દિવસીય પ્રવાસે પહોંચ્યા હતા. અહીં તેમણે કેન્દ્રશાસિત પ્રદેશની પ્રવાસનની સંભાવનાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. અહીં પ્રથમ દિવસે તેમણે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર મોર્નિંગ રન કર્યા પછી પ્રવાસન ઉદ્યોગના ભરપેટ વખાણ કર્યા હતા.
ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (પહેલાં ટ્વિટર) પર પોસ્ટ કરી લખ્યું હતું કે, “અમદાવાદમાં એક પ્રવાસન કાર્યક્રમ માટે આવ્યો હતો ત્યારે, મેં અહીંના પ્રખ્યાત સાબરમતી રિવરફ્રન્ટ પર સવારની દોડનો લાભ લીધો.
હું અત્યાર સુધી જ્યાં-જ્યાં દોડ્યો છું, તેમાંથી આ એક શ્રેષ્ઠ જગ્યા છે અને ઘણા બધા અન્ય ચાલનારાઓ કે દોડવીરો સાથે આ અનુભવ શેર કરવો આનંદદાયક હતો. હું અદ્ભુત અટલ ફૂટઓવર બ્રિજ પાસેથી પણ પસાર થયો હતો.
ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાની ગુજરાત યાત્રાનો મુખ્ય હેતુ ઘણો ગંભીર છે — જમ્મુ-કાશ્મીરને એક સુરક્ષિત અને વિશ્વસનીય પર્યટન સ્થળ તરીકે ફરીથી સ્થાપિત કરવું. વાસ્તવમાં, 22 એપ્રિલે પહલગામમાં આતંકવાદી હુમલા થયો હતો, જેમાં 26 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, પછીથી કાશ્મીરમાં પ્રવાસન ખૂબ જ ખરાબ રીતે પ્રભાવિત થયું છે.
એક પ્રવાસન પ્રમોશન કાર્યક્રમ દરમિયાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું, “ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યો હંમેશાં અમારા પ્રવાસન ક્ષેત્રમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા રહ્યા છે. મને આશા છે કે ગુજરાતના પ્રવાસીઓ ટૂંક સમયમાં મોટી સંખ્યામાં ફરીથી કાશ્મીર તરફ વળશે.”
આ પણ વાંચો…અમરનાથ યાત્રા વચ્ચે સીએમ ઓમર અબ્દુલ્લાનું મોટું નિવેદન, વ્યક્ત કરી આ ચિંતા