ગુજરાતમાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યામાં 17 લાખનો વધારો, જાણો શું છે કારણ

અમદાવાદ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના ટેલિકોમ સબ્સ્ક્રિપ્શન રિપોર્ટ અનુસાર, ગુજરાતનું ટેલિકોમ ક્ષેત્ર જબરદસ્ત વાપસી કરી રહ્યું છે. જુલાઈ મહિનામાં 4 લાખથી વધુ નવા ગ્રાહકો ઉમેરાતાં રાજ્યનો સબ્સ્ક્રાઇબર બેઝ વધીને 6.69 કરોડ થયો હતો. 2024માં મોટી સંખ્યામાં ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ ઘટ્યા બાદ રાજ્યમાં જાન્યુઆરી 2025થી જુલાઈ 2025માં સુધીમાં 17 લાખથી વધુ નવા ટેલિકોમ સબ્સ્ક્રાઈબર્સનો ઉમેરો થયો હતો. જે પાછળનું કારણ ટેરિફ અને ગ્રામીણ વિસ્તારોનું વિસ્તરણ છે.
ટેલિકોમ સબ્સ્ક્રાઇબર્સ ઉમેરાવાનું શું છે મુખ્ય કારણ
સૂત્રોના જણાવ્યા મુજબ, નવા ગ્રાહકો ઉમેરવાનું મુખ્ય કારણ માઇગ્રેશન પેટર્ન છે. અન્ય રાજ્યોમાં આવેલા ઘણા લોકો તેમના પરિવારના સભ્યોને ગામડાઓમાંથી લાવે છે, જેનાથી નવી કનેક્શનની માંગ વધી હતી. ગુજરાત તેના મજબૂત ઔદ્યોગિક આધાર દ્વારા પૂરતી આજીવિકાની તકો આપે છે. રાજ્યમાં પહેલેથી જ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઝારખંડ સહિત અન્ય રાજ્યોના લોકો વસે છે.
સારી ઓફર્સ માટે નંબર પોર્ટ કરાવી રહ્યા છે ગ્રાહકો
નવા ગ્રાહકો ઉમેરાવાનું બીજું કારણ, કથિત રીતે ટૂંક સમયમાં આવનારા ટેરિફ વધારાની અપેક્ષા છે, જેના કારણે યુઝર્સ સારા પ્લાન મેળવવા માટે અગાઉથી જ સર્વિસ પ્રોવાઇડર બદલી રહ્યા છે અથવા પોતાના નંબર પોર્ટ કરાવી રહ્યા છે. ગ્રાહકો પરિવારના સભ્યો માટે એડ-ઓન કનેક્શન પસંદ કરી રહી છે અને બંડલ ઑફર્સનો લાભ લેવા માટે સર્વિસ પ્રોવાઇડર્સ બદલી રહ્યા છે. નંબર પોર્ટેબિલિટી અને ફેમિલી એડ-ઓન્સનો આ ટ્રેન્ડ પણ ગ્રાહક વધવાનું કારણ છે.
ટેલિકોમ ઓપરેટર્સ ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક વિસ્તારી રહ્યા છે
સૂત્રોના જણાવ્યા મુજબ, ટેલિકોમ ઓપરેટરો ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં નેટવર્ક વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. માળખાકીય સુવિધાઓના વિસ્તરણ અને 4જી તથા 5જી કવરેજમાં રોકાણનો હેતુ માંગને પહોંચી વળવાનો છે. ડિસ્કાઉન્ટેડ ટેરિફ, ડેટા ઑફર્સ અને બંડલ પ્લાન સહિતની આકર્ષક ઓફર્સ નવા કનેક્શનમાં ઉછાળો લાવવામાં મદદરૂપ સાબિત થઈ રહ્યો છે.
આપણ વાંચો: ગાંધીનગરના બહિયલમાં બે જુથ વચ્ચે બબાલ, ટીયરગેસથી પોલીસે મામલો થાળે પાડ્યો