
અમદાવાદઃ ગુજરાતમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યામાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. એક અંદાજ પ્રમાણે રાજ્યમાં શેરીમાં રખડતા શ્વાનની સંખ્યા 8.50 લાખ છે અને દેશમાં ગુજરાત નવમા ક્રમે છે. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયા 2019ના સર્વે મુજબ, શ્વાનની સંખ્યા 2 ટકાના દરે વધી રહી છે.
ચાર વર્ષમાં ગુજરાતમાં શ્વાન કરડવાના અધધ કેસ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગાર્બેજમાં વધારો, ખસીકરણની નબળી કામગીરી શ્વાનની સંખ્યામાં વધારો થવાના મુખ્ય કારણો છે. રાજયની આશરે 49 ટકા વસતી શહેરમાં વસે છે. શહેરી વિસ્તારોમાં શેરીમાં રખડતા શ્વાનોને સરળતાથી ખોરાક મળી રહે છે. ઉપરાંત ગુજરાતનો 1600 કિમી લાંબો દરિયાકિનારો અને મરીન વેસ્ટના કારણે પણ ખોરાક સરળતાથી મળી રહે છે.
છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં શ્વાન કરડવાના 12,49,068 કેસ નોંધાયા છે. દેશમાં ઉત્તર પ્રદેશમાં શ્વાનની સંખ્યા સૌથી વધુ છે. યુપીમાં 20.6 લાખ, જે બાદ ઓડિશામાં 17.3 લાખ અને મહારાષ્ટ્રમાં 12.8 લાખ શ્વાન છે. રાજસ્થાન, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં 10-10 લાખ, આંધ્ર પ્રદેશમાં 8.60 લાખ, બિહારમાં 8 લાખ, દિલ્હી અને તેની આસપાસ 5.50 લાખ, પંજાબમાં 5.20 લાખ, મિઝોરમમાં 7000 અને સિક્કીમમાં 5000 શ્વાન છે.
70 ટકા રખડતા શ્વાનના ખસીકરણનું હતું લક્ષ્ય
રખડતા શ્વાનની વસ્તીને નિયંત્રિત કરવા માટે ખસીકરણ સૌથી અસરકારક પદ્ધતિ માનવામાં આવે છે.એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયા અનુસાર લગભગ 60 ટકા રખડતા શ્વાન શહેરી વિસ્તારોમાં રહે છે અને અમદાવાદ જેવા સ્થળોએ, ફેક્ટરી કામદારો અને રહેવાસીઓ ઘણીવાર તેમને ખવડાવે છે, જેના કારણે તેમની સંખ્યામાં વધારો થાય છે. જોકે એનિમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાએ 2024 સુધીમાં ગુજરાતના 70 ટકા રખડતા શ્વાનના ખસીકરણનું લક્ષ્ય રાખ્યું હતું, પરંતુ અત્યાર સુધીમાં માત્ર 20 ટકાની જ નસબંધી થઈ શકી છે.
રાજ્ય સરકાર 2026 સુધીમાં 50 ટકા રખડતા શ્વાનનું ખસીકરણ કરવાનું વિચારી રહી છે. મહારાષ્ટ્રમાં ખસીકરણ કાર્યક્રમો પછી શ્વાન કરડવાના કેસોમાં 20 ટકા ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં 40 ટકા રખડતા શ્વાનને રસી આપવામાં આવી, જેના પરિણામે હડકવાના કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.
આ પણ વાંચો…તમામ રાજ્યોના મુખ્ય સચિવોને હાજર રહેવા સમન્સ! રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટનું કડક વલણ



