
અમદાવાદઃ હાલ ડોલરમાં તેજી જોવા મળી રહી છે. ડોલરનો ભાવ ₹ 90 પહોંચતા NRIએ ગુજરાતની બેંકોમાં મોટા પાયે રૂપિયા ઠાલવ્યા છે. નાણાકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળામાં ગુજરાતની બેંકોમાં NRI તરફથી આવતા રેમિટન્સમાં ₹ 10,000 કરોડનો તોતિંગ વધારો થયો છે. સ્ટેટ લેવલ બેંકર્સ કમિટી-ગુજરાતના તાજેતરના રિપોર્ટ પ્રમાણે, રાજ્યમાં NRI ડિપોઝિટ જુલાઈ-સપ્ટેમ્બર 2024ના ત્રિમાસિક ગાળામાં ₹ 1.01 લાખ કરોડ હતી. જે આ વર્ષના સમાનગાળામાં 10 ટકા વધીને ₹ 1.11 લાખ કરોડ પર પહોંચી હતી.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ભારતીય રૂપિયા સામે ડોલર મજબૂત થતાં આ વધારો થયો છે. આ વલણ વિદેશમાં વસતા ગુજરાતીઓમાં નવા આત્મવિશ્વાસને દર્શાવે છે. આ પરિવર્તન માત્ર હાર પૂરતું નહીં પરંતુ 2025માં ગુજરાતના આર્થિક માર્ગ વિશે NRIsના દૃષ્ટિકોણમાં વ્યાપક પરિવર્તન સૂચવે છે.
ગુજરાતની બેંકોમાં NRI કેમ ઠાલવી રહ્યા છે રૂપિયા
સૂત્રોએ જણાવ્યું કે, નાણકીય વર્ષ 2026ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન યુએસ ડોલર સામે ભારતીય રૂપિયા મજબૂત થયો હતો. જેના કારણે ડોલરના સમાન રોકાણ માટે ભારતીય ચલણમાં વધુ મૂલ્ય મળ્યું હતું. જે ડોલરનો ભાવ સપ્ટેમ્બર 2024ના રોજ ₹ 83.84 હતો તે મજબૂત થઈને આ આ વર્ષના સપ્ટેમ્બરમાં ₹ 88.83 થયો હતો. હાલ ડોલર સામે રૂપિયાનો ભાવ 90 છે. GST ઘટાડા સાથે, NRIs, ખાસ કરીને ગુજરાત સાથે વ્યવસાયિક અથવા પારિવારિક સંબંધો ધરાવતા લોકોમાં, વધુ વિશ્વાસ પેદા કર્યો છે. ઉચ્ચ સ્થાનિક વપરાશ અને મૂડી ખર્ચના સારા વળતરની અપેક્ષાઓ સાથે વિદેશીઓ સુરક્ષા માટે ગુજરાત-સ્થિત ડિપોઝિટમાં વધુ નાણાં રોકી રહ્યા છે.
શેરબજાર પણ છે કારણ
આ ઉપરાંત ઘણા NRIs ભારતના શેરબજારને ટૂંકા ગાળાના લાભ અને લાંબા ગાળાના એક્સપોઝર બંને માટે એક વિશ્વસનીય માધ્યમ તરીકે જોઈ રહ્યા છે. ઘણા ગ્રાહકો ભારતમાં IPO, શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ્સમાં તેજી જોઈ રહ્યા છે, જેના કારણે પણ તેઓ અહીંયા રૂપિયા મોકલી રહ્યા છે.
તેમજ રિયલ એસ્ટેટ પણ આ પ્રવાહને વધારી રહ્યું છે. પ્રીમિયમ લોન્ચ, વ્યાવસાયિક માંગ અને વિદેશમાં વસતા ગુજરાતીઓના સતત રસને કારણે અમદાવાદ, સુરત, વડોદરા અને ગાંધીનગરમાં પ્રોપર્ટીના ભાવો છેલ્લા એક વર્ષથી સતત વધી રહ્યા છે. ડેવલપર્સનું કહેવું છે કે લક્ઝરી હાઉસિંગ, પ્લોટેડ ડેવલપમેન્ટ્સ અને ભાડા-આવક-લક્ષી કોમર્શિયલ પ્રોપર્ટીમાં NRI ઈન્કવાયરીમાં વધારો થયો છે. જે એનઆઈઆરને ગુજરાતમાં રિયલ એસ્ટેટમાં રસ હોવાનું દર્શાવે છે.
તાજેતરમાં મુંબઈ સમાચારે રિયલ એસ્ટેટ અંગે એક ટોક શો કર્યો હતો. જે મુજબ અમદાવાદમાં છેલ્લા કેટલાક વર્ષોથી શરૂ થયેલો રિડેવલપમેન્ટનો ધમધમાટ હવે ધીમો પડ્યો છે, રિયલ એસ્ટેટ માર્કેટમાં છેલ્લા દોઢ-બે વર્ષથી ચાલી રહેલી મંદીને કારણે અંડર કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં મકાનો નથી વેચાઈ રહ્યા તે જ રીતે હવે રિડેવલપમેન્ટમાં પણ બિલ્ડરોને રસ ઘટી રહ્યો છે કારણકે જે સોસાયટીઓને રિડેવલપ કરવામાં આવી છે તેમાં પણ મકાનો ન વેચાઈ રહ્યા હોવાથી બિલ્ડરોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ છે. એક્સપર્ટ્સનું માનીએ તો આ જ ટ્રેન્ડને કારણે હવે બિલ્ડર્સ રિડેવલપમેન્ટ માટે નવી ડીલ કરતા અચકાઈ રહ્યા છે.



