
અમદાવાદઃ વિદેશમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસે છે. એનઆરઆઈ દર વર્ષે રાજ્યમાં મોટી સંખ્યામાં ડિપોઝિટ કરાવે છે. સ્ટેટ લેવલ બેન્કર્સ કમિટીના તાજેતરના આંકડા અનુસાર, નાણાકીય વર્ષ 2026ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એનઆરઆઈ ડિપોઝિટમાં 16.97 ટકાનો મોટો ઉછાળો જોવા મળ્યો હતો.
એનઆરઆઈ ડિપોઝિટ્સ વધવાનું શું છે મુખ્ય કારણ
આ ડિપોઝિટ્સ એક વર્ષ અગાઉના રૂ. 93,096.04 લાખ કરોડથી વધીને રૂ. 1.08 લાખ કરોડને પાર થઈ ગઈ છે. આ વધારા પાછળનું મુખ્ય કારણ મજબૂત ડોલર અને વિદેશમાં રહેતા ગુજરાતી કામદારો અને પ્રોફેશનલ્સની સતત કમાણી છે. બેન્કર્સના મતે, આ ડિપોઝિટ્સ માત્ર ડાયસ્પોરાના વિશ્વાસને જ નહીં, પરંતુ વિવિધ ક્ષેત્રોમાં ધિરાણ ઉપલબ્ધતાને પણ વેગ આપે છે.
બેંકિંગ ક્ષેત્રના સૂત્રો અનુસાર, ડોલર સામે ભારતીય રૂપિયાના મજબૂતીકરણ અને વૈશ્વિક રેમિટન્સમાં વધારાને કારણે આ ઉછાળો આવ્યો છે. ખાસ કરીને ગલ્ફ, ઉત્તર અમેરિકા અને યુરોપમાં કામ કરતા ભારતીય કામદારોની કમાણી અને અનુકૂળ ચલણની હેરફેરને કારણે રેમિટન્સ મજબૂત બન્યા છે. યુએસ, યુકે, કેનેડા અને પશ્ચિમ એશિયામાં રહેતા ગુજરાતી એનઆરઆઈ ઔપચારિક રોકાણોની સુરક્ષાને કારણે પોતાની બચત બેંક ડિપોઝિટમાં મૂકી રહ્યા છે.
ભારતીય બેંકિંગ સિસ્ટમમાં એનઆરઆઈ રોકાણકારોનો વધ્યો વિશ્વાસ
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ વધારા પાછળ ભારતીય બેંકિંગ સિસ્ટમમાં એનઆરઆઈ રોકાણકારોનો વધતો વિશ્વાસ પણ જવાબદાર છે. ઘણા એનઆરઆઈએ રેમિટન્સ દ્વારા મિલકત અને શેરબજારમાં પણ રોકાણ કર્યું છે. આ ઉપરાંત સૂત્રોએ એમ પણ જણાવ્યું કે, તાજેતરના વર્ષોમાં ગુજરાતના ડાયસ્પોરાની પ્રોફાઈલ બદલાઈ છે. પહેલાં પરંપરાગત સ્થળાંતર કરનારા કામદારોનું વર્ચસ્વ હતું, પરંતુ હવે આઈટી અને અન્ય કુશળ ક્ષેત્રોમાં વિદેશ ગયેલા પ્રોફેશનલ્સની સંખ્યા વધી રહી છે. આ આર્થિક રીતે સદ્ધર વર્ગ મોટા પ્રમાણમાં નાણાં રોકાણ માટે સ્વદેશ મોકલી રહ્યા છે.
નોંધનીય છે કે, માર્ચ 2025ના ક્વાર્ટરમાં પણ એનઆરઆઈ ડિપોઝિટનો આંક રૂ. 1 લાખ કરોડને વટાવી ગયો હતો. આમ વિદેશમાં વરસતા ગુજરાતીઓ રાજ્યની બેંકો માટે આ ડિપોઝિટ્સ મહત્વપૂર્ણ લિક્વિડિટી પૂરી પાડે છે, જેનાથી તેઓ છૂટક, કોર્પોરેટ અને હાઉસિંગ ક્ષેત્રોમાં ધિરાણ આપી શકે છે.
આપણ વાંચો: સીસીટીવી ફૂટેજના દાવા સ્કૂલે ફગાવ્યા, DEOની નોટિસને હાઈકોર્ટમાં પડકાર