
અમદાવાદઃ ગુજરાતમાં ઓક્ટોબર મહિનામાં સામાન્યથી વધુ વરસાદ પડ્યો હતો. આઈએમડીના ડેટા મુજબ, ઓક્ટોબરમાં સામાન્ય કરતાં બમણાથી વધુ વરસાદ થયો હોય તેવા ભારતના છ રાજ્યોમાં ગુજરાત પણ હતું. હવામાન વિભાગ મુજબ, રાજ્યવાસીઓને હજુ પણ કમોસમી વરસાદથી રાહત નહીં મળે. નવેમ્બરમાં પણ ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, નવેમ્બર 2025 દરમિયાન દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્યથી વધુ વરસાદ થવાની સંભાવના છે ઉત્તર-પશ્ચિમ ભારત અને દક્ષિણ દ્વીપકલ્પના કેટલાક વિસ્તારોમાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. આગાહી મુજબ, ગુજરાતમાં નવેમ્બરમાં સામાન્ય રીતે વરસાદની સંભાવના ખૂબ ઓછી હોય છે પરંતુ આ વર્ષે નવેમ્બરમાં અહીં વરસાદનું જોર વધારે જોવા મળશે.
હવામાન વિભાગ મુજબ, રાજ્યમાં રવિવારે કેટલાક ભાગોમાં વીજળીના કડાકા અને પવન તથા ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. પૂર્વ મધ્ય અરબ સમુદ્ર પરનું ડિપ્રેશન ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધીને ધીમે ધીમે નબળું પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત દેશના મોટા ભાગના વિસ્તારોમાં નવેમ્બર મહિનામાં મહત્તમ તાપમાન સમાન્યથી ઓછું રહેવાની શક્યતા છે. ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહી શકે છે.



