માત્ર રાજકોટ નહીં, જૂનાગઢ, દ્વારકા પણ કેબિનેટમાં ક્યાંય નહીં

અમદાવાદઃ વર્ષ 2022માં જંગી બહુમતીથી ચૂંટણી જીત્યા બાદ પ્રધાનમંડળે શપથ લીધા ત્યારથી સતત પ્રધાનમંડળના વિસ્તરણની ખબરો સમયાંતરે આવ્યા કરતી હતી, પંરતુ ભાજપને ગઈકાલનું મૂહુર્ત મળ્યું અને આખરે 26 પ્રધાનની ટીમ રાજ્યને મળી. વિસ્તરણમાં ઘણી એવી બાબતો છે જે ઊડીને આંખે વળગે તેવી છે, જેમાંથી એક છે રાજકોટના એકપણ ધારાસભ્યને પ્રધાનમંડળમાં સામેલ કરવામાં આવ્યા નથી.
આવું લગભગ 53 વર્ષ બાદ પહેલીવાર બન્યું હોવાનું રાજકીય પંડિતો જણાવે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પહેલીવાર રાજકોટ બેઠક પરથી લડ્યા હતા. વજુભાઈવાળા સહિતના મોટા ગજ્જાના નેતાઓ અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન સ્વ. વિજય રૂપાણી પણ રાજકોટ વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે, ત્યારે રાજકોટને એકપણ પ્રધાનપદ ન આપી ભુપેન્દ્ર પટેલ સરકારે અને આલાકમાન્ડે શું સંકેત આપ્યો છે તે ઘણાને સમજાતું નથી.
જૂનાગઢ રાહ જોતું રહી ગયું ને…
રાજકોટની જેમ જૂનાગઢ જિલ્લાને પણ કોઈ પ્રતિનિધિત્વ ન મળતા નેતાઓમાં અસંતોષ છે. જૂનાગઢના વિધાનસભ્ય સંજય કોરડીયાનું નામ ગાજતું હતું, પરંતુ પ્રધાનપદ મળ્યું નથી. બીજી બાજુ પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા કેન્દ્રમાં પ્રધાન છે ત્યારે હવે મૂળ કૉંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાને પણ કેબિનેટમાં સ્થાન મળ્યું છે. રાજકોટ-જૂનાગઢને બદલે અમરેલી અને મોરબીને પ્રતિનિધત્વ મળ્યું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના વિધાનસભ્ય ગોપાલ ઈટાલિયા સામે ઘર્ષણે ચડી ગયેલા કાંતિ અમૃતિયાને રાજ્યકક્ષાનાનું પ્રધાનપદ મળ્યું છે. તો પાયલ લેટરકાંડમાં જેમનું નામ હતું તે કૌશિક વેકરિયાને પણ પ્રધાનપદ આપ્યું છે.
આ બાજુ જામનગરમાંથી ક્ષત્રિય સમાજના રિવાબા જાડેજાને પ્રધાનપદ આપ્યું, પરંતુ દેવભૂમિ દ્વારકાને એક પણ પ્રધાન મળ્યા નથી. સૌરાષ્ટ્રને આઠ પ્રધાન મળ્યા પરંતુ રાજકોટ, જૂનાગઢ, ગોંડલ સહિતના રાજકીય રીતે મહત્વના માનવામાં આવતા શહેરો-જિલ્લાને પ્રતિનિધિત્વ મળ્યું નથી.
નેતાઓમાં નારાજગી પણ બોલે કોણ
રાજકીય વર્તુળોમાં ચાલતી ચર્ચાઓ અનુસાર અમુક સિનિયર નેતાઓને પડતા મૂકી દેવાતા નેતાઓમાં નારાજગી પ્રવર્તી રહી છે. જોકે ભાજપમાં નેતાઓ ફરિયાદો કરતા નથી. સવાલ પૂછાતા પક્ષનો નિર્ણય શિરોમાન્ય એવો જ જવાબ મળે છે. અંદરખાને તેમના સમર્થકો અને જે ધારાસભ્યોને આશા હતી, તેમની નારાજગી ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો…ગુજરાતના નવા પ્રધાનમંડળમાં ખાતાની ફાળવણી: કોને કયો વિભાગ મળ્યો?