આજના છોકરાઓને કેમ ડોક્ટર- એન્જિનિયર બનવું જ નથી?

અમદાવાદઃ એક સમયે દીકરો કે દીકરી ડોક્ટર કે એન્જિનિયર બને એટલે માતા-પિતા બે જમીનથી થોડા ઉંચા ચાલવા માંડે. સમાજમાં વાહવાહી થાય અને લગ્નબજારમાં પણ ડિમાન્ડ વધવા માંડે. પણ છેલ્લા અમુક વર્ષોથી આ બન્ને મહત્વના પ્રોફેશન યુવાનોની પહેલી પસંદગીના રહ્યા નથી. દેશમાં પીજી મેડિકલની 20,000 જેટલી બેઠક ખાલી રહેતા સરકારે તેના માટેની લાયકાતના ટકામાં ધરખમ ઘટાડો લાવવાની ફરજ પડી હતી, ત્યારે એન્જિનિયરિંગની બેઠકો પણ ખાલી રહે છે. ડિગ્રી એન્જિનિયરિંગમાં એક સમયે એડમિશન મળવું અઘરું માનવામાં આવતું, પરંતુ હવે તેની થોકબંધ બેઠકો ખાલી પડી છે. આ બન્ને મહત્વના વ્યવસાય તરફ નવી પેઢીની સુગ આવનારા સમયમાં સમસ્યાઓ પણ ઊભી કરી શકે તેમ છે.
મેડિકલની જેમ એન્જિનિયરિંગ સામે પણ વિદ્યાર્થીઓએ મોઢું ફેરવી લીધું હોય તેવું આંકડાઓ જણાવે છે. ગુજરાતમાં ડિગ્રી એન્જિનિયરિંગના કોર્સ માટે એડમિશનના બીજા રાઉન્ડમાં પણ વિદ્યાર્થીઓએ ખાસ રસ દાખવ્યો નથી. બીજા રાઉન્ડની કુલ 21,363 બેઠકમાંથી સેલ્ફ ફાયનાનન્સ એન્જિનિયરિંગ કૉલેજોમાં 291 વિદ્યાર્થીએ એડમિશન લીધું હતું.
જ્યારે સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ એન્જિનિયરિંગ કોલેજોમાં ૩૭૨ બેઠકો હતી, પરંતુ ફક્ત બે જ બેઠકો લેવામાં આવી હતી. ડિપ્લોમા એન્જિનિયરિંગ પ્રવેશમાં ચિત્ર થોડું સમાધાનકારી છે. સરકારી ડિપ્લોમા કોલેજોમાં ચૌદ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો હતો, જ્યારે ૨૫૪ વિદ્યાર્થીઓને ખાનગી ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળ્યો હતો. આમ, કુલ ૨૬૮ ડિપ્લોમા એન્જિનિયરિંગ બેઠકો ભરાઈ હતી.
શિક્ષણ સાથે જોડાયેલા લોકો અને કૉલેજના સંચાલકો ચિંતામાં મૂકાયા છે. નિષ્ણાતો માને છે કે મર્યાદિત નોકરીની તકો, વૈકલ્પિક કારકિર્દી માટે પહેલી પસંદગી અને અન્ય વ્યાવસાયિક અભ્યાસક્રમો તરફ વિદ્યાર્થીઓનો રસ જેવા પરિબળો રાજ્યભરમાં એન્જિનિયરિંગ પ્રવેશમાં ઘટાડાનું કારણ બની શકે છે.
આ પણ વાંચો રેલવેનો મહત્વનો નિર્ણય: ભુજ-મુંબઈ સ્પેશિયલ ટ્રેન ફેબ્રુઆરીના અંત સુધી લંબાવવામાં આવી



