
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય મહાઅધિવેશન થવા જઈ રહ્યું છે. આ મહાઅધિવેશનને લઈને તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, મહાત્મા ગાંધીને 1924માં બેલગામ અધિવેશનમાં કોંગ્રેસના અધ્યાક્ષ બનાવવામાં આવ્યાં હતી, જેને 100 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. જેથી આવતીકાલે આઠમી અને 9મી એપ્રિલના એમ બે દિવસ દરમિયાન ગાંધીજીની જન્મભૂમિ અને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના ગઢ ગણાતા ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અધિવેશનને પાર્ટીએ ‘ન્યાય પથ’ નામ આપ્યું છે. તો ચાલો જાણીએ આ અધિવેશનની ખાસ વાતો.
બે દિવસના અધિવેશનમાં કોણ આવશે, કેટલા કાર્યક્રમ થશે?
આ અધિવેશનમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને યુવા નેતા રાહુલ ગાંધી પણ હાજરી આપશે. સૌથી મહત્વની વાત એ છે કે, 64 વર્ષ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળી રહ્યું છે, જેમાં 2000થી વધુ કોંગ્રેસ નેતાઓ સામેલ થશે. 8મી એપ્રિલે સવારે 11 વાગ્યાથી આ બે દિવસીય અધિવેશનની શરૂઆત થશે, જેમાં અનેક રાજકીય બાબતો અને ભવિષ્યમાં પક્ષને મજબૂત કરવા માટેની વિચારણા કરવામાં આવશે. મળતી વિગતો પ્રમાણે કોંગ્રેસ નેતાઓ ગાંધી આશ્રમની મુલાકાતે જશે અને ત્યા ભજન-કીર્તન પણ કરશે. રાત્રિના કાર્યક્રમની વાત કરીએ તો સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે, જેમાં મલ્લિકા સારાભાઈ અન્ય કલાકારો સાથે મળીને દાંડિયા, ગરબા, આદિવાસી નૃત્ય જેવા લોક કલા કાર્યક્રમો રજૂ કરશે.
સત્તામાં આવવા માટે કોંગ્રેસ નવી રણનીતિ તૈયાર કરશે?
કોંગ્રેસના આ રાષ્ટ્રીય અધિવેશનમાં દરેક કોંગ્રેસ નેતાઓ માટે ગુજરાતી ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ વાત એ છે, આ અધિવેશનમાં કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા અને ફરી સત્તામાં પાછું આવવા માટેની તૈયારીઓ કરવામાં આવશે. કારણે કે, ગુજરાતમાં છેલ્લા 20 વર્ષથી કોંગ્રેસને સત્તા નથી મળી. આ સાથે ભારતમાં પણ 10 વર્ષથી કોંગ્રેસ લોકસભામાં બહુતમ મેળવી શકી નથી. કોગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાષ્ટ્રીય અધિવેશનને ‘ન્યાય પથ’નામ આપ્યું છે. વધુમાં કહ્યું કે, કોંગ્રેસ ન્યાયના રસ્તા પર ચાલશે અને લોકોનું સમર્થન મેળવશે.
દિલ્હીમાં 700 જેટલા જિલ્લાઅધ્યક્ષ સાથે થઈ હતી કોંગ્રેસની બેઠક
કોંગ્રેસ પ્રવક્તાએ કહ્યું કે, જેમ કોંગ્રેસે સ્વતંત્રતા માટે સખત મહેનત કરી હતી, તેવી જ રીતે પાર્ટી ગુજરાતમાં પણ સખત મહેનત કરશે અને સત્તામાં પાછી આવશે. મહત્વની વાત છે પાર્ટીએ સત્તા માટે મહેનત તો કરવી જ પડશે. આ અધિવેશનને લઈને દિલ્લીમાં રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુને 700 જેટલા જિલ્લાઅધ્યક્ષો સાથે બેઠક કરી હતી અને આ દરમિયાન કોઈ કોંગ્રેસ નેતાઓ ‘જ્ય કોંગ્રેસ વિજય કોંગ્રસ’ નાારો આપ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે, આ અધિવેશનમાં શું ચર્ચા થાય છે? પાર્ટી આગામી ચૂંટણી માટે કેવી નિર્ણય અને રણનીતિ બનાવે છે? જો કે, અધિવેશનને લઈને પાર્ટી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને મોટા ભાગના કોંગ્રેસ નેતાઓ અત્યારે ગુજરાતમાં આવી પણ ગયાં છે. આવતીકાલથી આ અધિવેશનની શરૂઆત થવાની છે.
છેલ્લે ક્યારે યોજવામાં આવ્યું હતું અધિવેશન
ગુજરાત કોંગ્રેસમાં અગાઉ 1961માં ભાવનગરમાં અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 64 વર્ષ ગુજરાતમાં ફરી અધિવેશન યોજવામાં આવી રહ્યું છે ત્યારે દરેકના મોંઢે એક જ સવાલ છે કે ગુજરાતમાં આયોજન કરવાનો શું થશે ફાયદો, પાર્ટીને શું ફાયદો થશે, જ્યારે ગુજરાત કોંગ્રેસને બેઠી કરવામાં પણ કેટલા પડકારો છે એની લોકો ચર્ચા કરી રહ્યા છે. ગુજરાતની મુલાકાત વખતે ઈવન રાહુલ ગાંધી પણ પાર્ટીના નેતાઓ-પદાધિકારીઓ અંગે નિવેદન આપી ચૂક્યા છે, જ્યારે અમુક લોકોને પાર્ટીમાંથી હાંકી કાઢવાની પણ વાત કરી હતી.
ગુજરાતમાંથી નવું મોડલ વિકાસવવાનો ઉદ્દેશ હોઈ શકે
નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે, જ્યારે પણ કોંગ્રેસ નેતૃત્વ જાણે છે કે જ્યારે પણ દેશમાં નવી રાજકીય સંસ્કૃતિનો ઉદય થાય છે ત્યારે તેની શરુઆત ગુજરાતથી થાય છે. ગુજરાત મોડલને તોડવામાં આવે તો તેની અસર આખા દેશ પર પડશે, તેથી આ સંમેલન યોજવા પાછળનો ઉદ્દેશ અહીંથી એક નવું મોડલ બનાવવાનો હોઈ શકે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે કોંગ્રેસ પાસે રાજ્યમાં એવો કોઈ નેતા નથી કે જે બધું કરી શકે. ગુજરાતમાં કોંગ્રેસ અધિવેશન યોજીને પોતાની કેડરને સંદેશ આપવા માગે છે કે પ્રદેશમાં પોતાની ઓળખ ગુમાવી નથી અને મોદી અને ભારતીય જનતા પાર્ટીને ટક્કર આપવા માટે તૈયાર છે. છેલ્લા 10 વર્ષમાં કેન્દ્રમાં મોદી અને અમિત શાહ છે અને બંને ગુજરાતના છે, તેથી કોંગ્રેસ અહીં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કરવા ઈચ્છે છે, એમ પણ સૂત્રોએ દાવો કર્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં આગામી બે દિવસ કોંગ્રેસનું ‘મહાઅધિવેશન’
ભાજપના ગઢમાં આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન પછી પડકારો
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પછી લોકસભાની ચૂંટણી પણ યોજવામાં આવી હતી, જેમાં કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી સામે આંખો બતાવી શક્યું હતું, પરંતુ મહત્ત્વની બેઠકો પર જીત મેળવી શકી નહોતી. કોંગ્રેસમાં એવું પણ કહેવાય છે ભાજપની બી ટીમ કામ કરતી હોવાથી એકતા જોવા મળતી નથી. કોંગ્રેસ નાના પક્ષો સાથે સહયોગ કરવાને બદલે પોતાના દમ પર ચૂંટણીઓ લડવી જોઈએ. અગાઉ કોંગ્રેસ ઈન્ડિ ગઠબંધન હેઠળ સંગઠન બનાવી ચૂકી છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં બહુમતી મેળવી શકી નહોતી, એવું સૂત્રોએ જણાવ્યું હતું.