અમદાવાદ

નિરમા યુનિવર્સિટીના કર્મચારીએ 5 કરોડની ઉપાચત કઈ રીતે કરી એ જાણીને મગજ ચકરાઈ જશે…

અમદાવાદ: શહેરની નિરમા યુનિવર્સિટી (Nirma University)માં એક ચોંકાવનારો નાણાકીય ગોટાળો સામે આવ્યો છે. યુનિવર્સિટીના સ્ટુડન્ટ એક્ટિવિટીઝના ખાતામાં મેનેજમેન્ટની કામગીરી સંભાળતા એક કર્મચારીએ પોતાના મિત્રો અને સંબંધીઓ સાથે મળીને છેલ્લા બે વર્ષમાં અધધધ રૂ. 5,00,16,496ની રકમની ઉચાપત કરી છે. આરોપી પ્રકાશ રણજીતભાઈ ઠાકોર પર આરોપ છે કે તેણે વિદ્યાર્થીઓને બુક્સના રિફંડ તરીકે ચૂકવવાના નાણાંનો દુરુપયોગ કરીને ખોટા દસ્તાવેજોના આધારે આ વિશાળ રકમ પોતાના અને અન્ય છ લોકોના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધી હતી. આ કૌભાંડનો પર્દાફાશ વાર્ષિક ઓડિટ દરમિયાન થયો હતો.

કૌભાંડની મોડસ ઓપરેન્ડી: ‘રિફંડ’ના નામે બનાવટી NEFT લિસ્ટ
સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદની વિગતો અનુસાર, નિરમા યુનિવર્સિટી ખાતે મેનેજમેન્ટ અને કોમર્સ વિભાગના વિદ્યાર્થીઓની ટેલેન્ટ નાઇટ, રમત-ગમત અને કલ્ચરલ એક્ટિવિટીઝ માટે તથા અભ્યાસક્રમની બુક્સ માટે વાર્ષિક ધોરણે ચોક્કસ રકમ બેંક ખાતામાં જમા લેવામાં આવે છે. અભ્યાસ પૂર્ણ થયા પછી વિદ્યાર્થીઓને બુક્સના રિફંડ તરીકે બાકીના પૈસા ચૂકવવામાં આવે છે. આ ત્રણેય ખાતાઓનું મેનેજમેન્ટ પ્રકાશ રણજીતભાઈ ઠાકોરને સોંપવામાં આવ્યું હતું. પ્રકાશ ઠાકોર આ રકમોની ચુકવણી અને રિફંડ માટે NEFT લેટર તૈયાર કરતો હતો, જેના પર કમિટીના બે સભ્યોની સહી જરૂરી હતી.

પ્રકાશ ઠાકોરે આ પ્રક્રિયાનો ગેરલાભ ઉઠાવ્યો હતો. તેણે વિદ્યાર્થીઓના નામો લખીને રિફંડ તરીકે ચૂકવવાના થતા નાણાંની ખોટી રકમ લખી, અને તેની સામે પોતાના તથા મિત્રો/સબંધીઓના બેંક એકાઉન્ટ નંબર અને IFSC કોડ મૂકીને બનાવટી NEFT લિસ્ટ તૈયાર કર્યા. ત્યારબાદ, તેણે સહી માટે ઓથોરાઇઝ્ડ ફેકલ્ટી સભ્યોને રિફંડના નાણાં ચૂકવવાના હોવાનો ખોટો વિશ્વાસ આપીને તેમને અંધારામાં રાખીને સહીઓ મેળવી લીધી હતી.

મિત્રોને કમિશન આપીને કરોડોની ઉચાપત
પ્રકાશ ઠાકોરે આ કૌભાંડમાં તેના છ મિત્રો/સબંધીઓ – નિકેતન, હર્ષિલ લહેરી, નંદકિશોર, મહેશ છાપ્યા, જૈનમ વીરા અને રોહિત વિક્રમભાઈ ઠાકોર –ની મદદ લીધી હતી. તેણે આ મિત્રોને તેમના ખાતામાં નાણાં નાખવાના બદલે કમિશન આપવાની લાલચ આપી હતી. આ સહ-આરોપીઓના ખાતામાં વિદ્યાર્થીઓના રિફંડના નાણાં જમા કરાવી દીધા બાદ, તેઓ કમિશન કાપીને બાકીની મોટી રકમ મુખ્ય આરોપી પ્રકાશ ઠાકોરના પોતાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી દેતા હતા.

યુનિવર્સિટીના એસોસિએટ પ્રોફેસર નિકુંજ પટેલે આપેલી ફરિયાદ મુજબ, આ છેતરપિંડીની શરૂઆત 24 એપ્રિલ, 2023ના રોજ 41,000ના ટ્રાન્સફરથી થઈ હતી અને 1 મે, 2025 સુધીમાં કુલ 5,00,16,496ની રકમની ઉચાપત કરવામાં આવી હતી.

ઓડિટમાં પર્દાફાશ, યુનિવર્સિટીએ કરી પોલીસ ફરિયાદ
આ કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો, જ્યારે યુનિવર્સિટી દ્વારા વર્ષ 2024-25નું વાર્ષિક ઓડિટ કરાવવાનું હતું. ઓડિટર પાસે ન જવાથી શંકા ઊભી થઈ અને 11 સપ્ટેમ્બર, 2025ના રોજ આરોપી પ્રકાશ ઠાકોરે પોતે જ ઉચાપત કરી હોવાની કબૂલાત કરી હતી. સમગ્ર મામલાની ગંભીરતા જોતા, યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા સાત આરોપીઓ – પ્રકાશ ઠાકોર અને તેના છ સાથીદારો – વિરુદ્ધ ગુનાહિત કાવતરાં અને છેતરપિંડીનો ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે.

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button