ગુજરાત ATS એ ઝડપેલા ત્રણ આતંકીઓની હવે NIA કરશે પૂછપરછ, ચોંકાવનારી વિગતો આવી શકે છે સામે

અમદાવાદઃ ગુજરાત એટીએસ દ્વારા તાજેતરમાં અમદાવાદમાંથી ત્રણ આતંકીની ધરપક કરવામાં આવી હતી.આતંકી ડૉ. અહેમદ સૈયદ દ્વારા સૌથી ખતરનાક ગણાતું એવું રાઈઝીન (Ricin)નામનું ઝેરી કેમિકલ તૈયાર કરીને મોટા પ્રમાણમાં જાનહાનિ કરવાનું કાવતરું હતું. ડૉ. અહેમદ સૈયદ અન્ય શકમંદ તબીબોના સંપર્કમાં પણ હોવાનું ખુલ્યું હતું, જે દર્શાવે છે કે આતંકી સંગઠનો એકસાથે મોટી ઘટનાને અંજામ આપવાની ખતરનાક યોજના ધરાવતા હતા.
દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના અને તબીબોની સંડોવણીના પગલે તપાસ એજન્સીઓ માની રહી છે કે વિવિધ આતંકી સંગઠનો એકસાથે દેશના મોટા શહેરોમાં મોટી ઘટનાને અંજામ આપવાની ફિરાકમાં હતા.
આ ગંભીરતાને ધ્યાનમાં લઈને કેન્દ્રીય ગૃહ વિભાગે તાત્કાલિક નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સીને ગુજરાત ATS સાથે મળીને સંયુક્ત તપાસ કરવા માટે સૂચના આપી છે.
NIA ગુજરાત ATSને ગુજરાત બહાર ISKPના કનેક્શન તપાસવા માટે ખાસ મદદ કરશે. ડૉ. અહેમદ સૈયદ દિલ્હી, મુંબઈ અને અમદાવાદ સહિત દેશના કેટલાંક તબીબો સાથે સંપર્કમાં હોવાની વિગતો સામે આવી છે. NIA ATS સાથે મળીને આ તબીબી આતંકી મોડ્યુલ અંગેની પણ તપાસ કરશે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) દ્વારા તાજેતરમાં ઝડપી પાડવામાં આવેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ શેખ અને મોહમ્મદ સુહેલના ઈસ્લામિક સ્ટેટ ઑફ ખોરાસન પ્રોવિન્સ નામના આતંકી સંગઠન સાથેના કનેક્શન સામે આવ્યા બાદ હવે સમગ્ર દેશમાં ચાલતા આ ખતરનાક નેટવર્ક અંગે ચોંકાવનારી વિગતો મળી છે.
NIA ની તપાસમાં હજુ કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી શકે છે.



