ચમત્કારઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક યાત્રી જીવિત હોવાના સમાચાર | મુંબઈ સમાચાર

ચમત્કારઃ અમદાવાદ પ્લેન ક્રેશમાં એક યાત્રી જીવિત હોવાના સમાચાર

અમદાવાદઃ અમદાવાદથી લંડન જતા એર ઈન્ડિયાના પ્લેનના ક્રેશના સમાચારે સમગ્ર વિશ્વને શોકમાં ગરકાવ કરી દીધું છે ત્યારે જાણે ચમત્કાર થયો હોય તેવી એક ઘટના બહાર આવી છે. આ ફ્લાઈટમાં 230 યાત્રી અને અન્ય સ્ટાફ મળી 242 જણ હતા. થોડા સમય પહેલા મીડિયા અહેવાલો અનુસાર તમામના મોત થયાની પૂરી શક્યતા બચાવકાર્ય કરનારી તમામ એજન્સીઓએ વ્યક્ત કરી હતી, પરંતુ તાજેતરમાં મળતી માહિતી અનુસાર વિશ્વાસ નામનો એક 40 વર્ષીય યુવાન મોતના મુખમાંથી પાછો આવ્યો છે.

વિશ્વાસ કુમાર રમેશ નામનો આ યુવાન સિટ નંબર 11 એનો યાત્રી હતો અને તે હાલમાં અસરવા હૉસ્પિટલ ખાતે સારવાર લઈ રહ્યો છે, તેવો દાવો મીડિયા અહેવાલો કરી રહ્યા છે.

આ યુવાન બ્રિટિશ નાગરિક છે અને ભારતમા રહેતા પોતાના સંબંધીઓને મળવા આવ્યો હતો અને આજે આ પ્લેનમાં બેસી લંડન જતો હતો. તેણે જણાવ્યું હતું કે પ્લેન ટેક ઑફ થયાની અમુક મિનિટોમાં જ પ્રચંડ અવાજ આવ્યો હતો અને ક્ષણવારમાં તો શું થઈ ગયું તે ખબર પડી નહીં. વિશ્વાસને ચહેરા અને છાતી પર ઈજાઓ થઈ છે અને હાલમાં તે હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે. રામ રાખે તેને કોણ ચાખે તે યુક્તિ વિશ્વાસના કેસમાં યથાર્થ સાબિત થઈ રહી છે.

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button