અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવેથી 5 ટકા વનીકરણ ફરજિયાત કરવું પડશે | મુંબઈ સમાચાર
અમદાવાદ

અમદાવાદમાં ટાઉન પ્લાનિંગ સ્કીમમાં હવેથી 5 ટકા વનીકરણ ફરજિયાત કરવું પડશે

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેસન શહેરનું વનીકરણ (ગ્રીન કવર) વધારવા નવી પોલીસી લાવશે. જે મુજબ નવી ટાઉન પ્લાનિંગ (ટીપી) સ્કીમમાં ગ્રીન કવર માટે પાંચ ટકા જમીન ફરજિયાત ફાળવવી પડશે. આ ફાળવણીમાંથી 1 ટકા વિસ્તારને મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ કરીને શહેરી જંગલો માટે અનામત રાખવો પડશે. જેથી ટૂંકા ગાળામાં ગ્રીન કવર વધારી શકાશે. ત છે.

અગાઉ, રાજ્યના ટાઉન પ્લાનિંગ એક્ટમાં બગીચા અને ઉદ્યાનો માટે વધુમાં વધુ 5 ટકા જમીન અનામત રાખવાની છૂટ હતી, પરંતુ નવી નીતિમાં આ ફાળવણીને ફરજિયાત બનાવાશે. સૂત્રોના કહેવા પ્રમાણે, એક ખાસ ટીમ શહેરમાં ગ્રીન કવર વધારવા અને જાળવવા માટે જરૂરી સલાહ સૂચનો આપશે. વોર્ડ-સ્તરની સમિતિઓ સ્થાનિક અમલીકરણના પડકારોને ઉકેલશે, જ્યારે જાહેર અને ખાનગી મિલકતોને વૃક્ષારોપણ પહેલમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

આપણ વાંચો: વસઇ-વિરારમાં ગેરકાયદે ઇમારતો: ઇડીએ ટાઉન પ્લાનિંગના ડેપ્યુટી ડિરેક્ટરના ઘરેથી 32 કરોડનાં દાગીના-રોકડ જપ્ત કર્યાં

વૃક્ષ કાપવા બદલ દંડ પણ થશે

સૂત્રોના કહેવા પ્રમાણે, ગ્રીન કવર વધારવા માટે ઓક્સિજન પાર્ક, રેઈન ગાર્ડન, રૂફટોપ ગાર્ડન, લેક ગાર્ડન, શહેરી જંગલો, ઇકોલોજીકલ પાર્ક અને જૈવવિવિધતા પાર્ક સહિતની ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર શહેરભરમાં વિકસાવવામાં આવશે.ગેરકાયદેસર વૃક્ષ કાપવા બદલ દંડમાં પણ વધારો થશે. કોઈપણ વૃક્ષ કાપનાર વ્યક્તિએ ત્રણ વર્ષની અંદર 10 નવા વૃક્ષો વાવવા પડશે અને પ્રતિ વૃક્ષ 5,000 રૂપિયાની ડિપોઝિટ જમા કરાવવી પડશે, ઉપરાંત પર્યાવરણીય નુકસાન માટે વધારાનો દંડ પણ થશે.

નવા રોડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સ માટે કેટલીક ચોક્કસ જરૂરિયાતો છે. 24 મીટર કે તેથી વધુ પહોળા રસ્તાઓમાં વાવેતર માટે 1.50 મીટર પહોળા ડિવાઈડરનો સમાવેશ થવો જોઈએ.

આપણ વાંચો: લો ગાર્ડન-ભદ્રમાં દબાણ સામે તવાઈના સંકેત; ટાઉન પ્લાનિંગ કમિટીમાં આપવામાં આવી સૂચના

રિઝર્વ પ્લોટના હેતુને બદલી શકાશે નહીં

ફૂટપાથમાં દર 5 મીટરે વૃક્ષારોપણની જગ્યાઓનો સમાવેશ થવો જોઈએ, જેમાં પહોળા રસ્તાઓ માટે 1 મીટરના ગોળાકાર ખાડા અને સાંકડી ગલીઓ માટે 2.5×2.5 ફૂટના ખાડા હોવા જોઈએ. આ નીતિ ટીવી સ્કીમ્સમાં બગીચાઓ, શહેરી જંગલો અથવા અન્ય ગ્રીન સ્પેસ માટે રિઝર્વ પ્લોટના હેતુને બદલી શકાશે નહીં. તેનાથી ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું લાંબા ગાળાનું પ્રોટેક્શન થશે.

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button