રેરાના નવા નિયમો અમલી, સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નંબર, બેંક ડીટેઈલ લખવી ફરજિયાત

અમદાવાદઃ અમદાવાદઃ રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીના નવા નિયમો આજથી અમલી બન્યા છે. જે મુજબ સાઈટ પર પ્રોજેક્ટની વિગતો, રેરા નબર,બેંક ડીટેલ ફરજિયાત લખવી પડશે. જો કોઈ બિલ્ડર કે ડેવલોપર આ નિયમનું પાલન નહીં કરે તો તેને દંડ કરવામાં આવશે.
કઈ કઈ વિગતો દર્શાવવી પડશે
ગુજરાત રીયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટીની વેબસાઈટ પરથી મકાન કે દુકાન સહિતની મિલકત ખરીદવા આવનાર નાગરિકોને પ્રોજેક્ટના બાંધકામની માહિતી મળી રહે તેના માટે હવે દરેક બાંધકામ સાઈટ પર ડેવલપર- બિલ્ડર દ્વારા પ્રોજેક્ટને લગતી તમામ માહિતીનું બેનર બોર્ડ QR કોડ સાથે લગાવવાનું રહેશે.
જાહેર જનતાને પ્રોજેક્ટને લગતી વિગતો જેમકે રેરા રજીસ્ટ્રેશન, પ્રોજેક્ટના બાંધકામની વિગતો, સ્પેસીફીકેશન, એમેનીટીઝની વિગતો, રેરા કલેક્શન બેંક એકાઉન્ટની વિગતો તથા પ્રોજેક્ટ લોનની વિગતો પ્રોજેક્ટના સ્થળે જ સહેલાઇથી ઊપલબ્ધ થાય તેના માટે પ્રોજેક્ટના સ્થળે તમામ માહિતીના બોર્ડ, બેનર લગાવવા રેરા દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.
આ વાતનું ખાસ રાખવું પડશે ધ્યાન
બોર્ડ અથવા બેનરની લઘુત્તમ પહોળાઇ 1.20 મીટર તથા લઘુત્તમ ઉંચાઈ 2 મીટર રાખવાની રહેશે. પ્રોજેક્ટના મુખ્ય પ્રવેશ પાસે અથવા મુખ્ય રસ્તા ઉપરથી જોઇ શકાય તે રીતે, જમીનથી 1.50મીટર થી 2 મીટર ઊંચાઇએ મુકવાનું રહેશે. વોટરપ્રૂફ મટીરીયલના રાખવાના રહેશે અને તેનું બેકગ્રાઉન્ડ સફેદ અથવા પીળા રંગનું રાખવાનું રહેશે.
બેનરમાં દર્શાવેલી વિગતોના અક્ષરની લઘુત્તમ ઊંચાઈ 2.50 સે.મી. રાખવાની રહેશે અને અક્ષરના રંગ નમૂનામાં દર્શાવ્યા અનુસાર જ રાખવાના રહેશે. આ ઉપરાંત તમામ વિગતો મોબાઇલથી સ્કેન કરી શકાય તે માટે ક્યૂઆર કોડ દર્શાવવો પડશે.
થઈ શકે છે દંડ
આ ઉપરાંત પ્રોજેક્ટના સ્થળે પ્રદર્શિત કરેલ બોર્ડ / બેનર/ હોર્ડીંગ / ડીજીટલ ડીસ્પ્લેનો ફોટોગ્રાફ, આ હુકમ પ્રસિદ્ધ થયા બાદ, ભરવાના થતાં તમામ ત્રિમાસિક પ્રગતિ અહેવાલમાં, અચૂક અપલોડ કરવાનો રહેશે. આ ફોટોગ્રાફ જિયો ટેગ વાળો ફોટો હોવો જરૂરી છે. આ હુકમનું પાલન કરવામાં નિષ્ફળ જનાર ડેવલપર કે બિલ્ડરને દંડ ફટકારવામાં આવશે.



