
અમદાવાદઃ GJ-01ની નંબર પ્લેટ માત્ર અમદાવાદમાં જ ફરતા વાહનોની નહીં સમગ્ર રાજ્ય, દેશમાં ફરતા વાહનોમાં શહેરની ઓળખ છે. જોકે ટૂંક સમયમાં આ નંબર પ્લેટને બંધ કરવામાં આવશે. શહેરની સુભાષ બ્રિજ રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ ટૂંક સમયમાં વાહનો માટે નવી રજિસ્ટ્રેશન સીરીઝ GJ-1A-AA શરૂ કરશે. વર્તમાન GJ-01 ડબલ-આલ્ફાબેટ સિરીઝ સમાપ્ત થવા જઈ રહી હોવાથી આ પગલું લેવામાં આવશે. આ બદલાવ શહેરની વાહન રજિસ્ટ્રેશન પ્રણાલીમાં એક મહત્ત્વનો ફેરફાર છે અને બાકી રહેલી વર્તમાન સીરીઝ પૂર્ણ થયા બાદ તે અમલમાં આવશે.
સૂત્રો અનુસાર વર્તમાન રજિસ્ટ્રેશન ફોર્મેટમાં રાજ્યના કોડ, આરટીઓ કોડ અને બે-અક્ષરની આલ્ફાબેટિક સિરીઝનો સમાવેશ થાય છે, તેની મર્યાદા નજીક આવી રહી છે. આ સંજોગોને ધ્યાનમાં રાખીને સુભાષ બ્રિજ આરટીઓ દ્વારા નવમી સપ્ટેમ્બરના ટ્રાન્સપોર્ટ કમિશનરને નવી રજિસ્ટ્રેશન સિરીઝ ફાળવવા માટે ભલામણ કરી હતી.
આ ભલામણ બાદ સુભાષ બ્રિજ આરટીઓને હવે ત્રણ-આલ્ફાબેટ સિરીઝ GJ-1A-AA મળશે, જે વર્તમાન જીજે-01 ફોર્મેટનું સ્થાન લેશે. જોકે તેનો અમલ થવામાં થોડો સમય લાગશે, કારણ કે હાલના ફોર્મેટ હેઠળ Q અને Z આલ્ફાબેટ સીરીઝ હજુ બાકી છે. વર્તમાન સમયમાં સુભાષ બ્રિજ આરટીઓ દર મહિને આશરે 5,000 ટુ-વ્હીલર અને 2500 ફોર-વ્હીલરનું રજિસ્ટ્રેશન કરે છે. હાલની સિસ્ટમ હેઠળ બાકી રહેલી સિરીઝમાં લગભગ 2,00,000 વાહનોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે GJ-01 ડબલ આલ્ફાબેટ સીરીઝ પૂર્ણ થવા જઈ રહી છે, તેથી નવી સિરીઝ માટે વિનંતી કરવામાં આવી હતી. જેને ધ્યાનમાં રાખીને GJ-1એ સીરીઝ મળી ગઈ છે, પરંતુ તેનો અમલ થવામાં થોડો સમય લાગશે.