ખાદ્યપદાર્થોમાં ધાતુઓ અને બેક્ટેરિયાનું પ્રમાણ ચકાસવા અમદાવાદમાં બનશે નવી લેબોરેટરી

અમદાવાદઃ ગુજરાતમાં પહેલીવાર અમદાવાદમાં મહાનગરપાલિકા વિવિધ પ્રકારની ખાદ્ય ચીજોમાં જંતુનાશકો, ધાતુઓ અને બેક્ટેરિયાનું પરીક્ષણ કરી શકાય તેવી લેબોરેટરી શરૂ કરશે. શહેરમાં જે રીતે ફૂડ ઈન્ડસ્ટ્રી વિકસી રહી છે તે જોતા આ પ્રકારની લેબોરેટરીની જરૂર હોવાનું અધિકારીઓ જણાવી રહ્યા છે. આ લાંબા સમયથી પેન્ડિંગ યોજનાના ટેન્ડર અંતિમ તબક્કામાં પહોંચી ગયા છે અને ટૂંક સમયમાં રોડ અને બિલ્ડિંગ કમિટી સમક્ષ પ્રસ્તાવ મૂકવામાં આવશે, તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
શહેરનો વિસ્તાર અને હોટલ અને રેસ્ટોરન્ટથી લઈને ક્લાઉડ કિચન અને ઉત્પાદન એકમો સુધી ખાદ્ય સંસ્થાઓની સંખ્યા વધતી જતી હોવાથી, એએમસીએ સીજી રોડ પર લાલ બંગલો પાછળ હાલની સુવિધાને અડીને આવેલા ખાલી પ્લોટ પર નવી ગ્રાઉન્ડ-પ્લસ-ફાઇવ-ફ્લોર લેબોરેટરી બનાવવાનું નક્કી કર્યું છે.
એએમસીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, હાલની લેબ મુખ્યત્વે ભેળસેળ માટે ખોરાકના નમૂનાઓની તપાસ કરે છે પરંતુ તેમાં જંતુનાશક , ધાતુ વિશ્લેષણ અને કેટલાક કિસ્સાઓમાં, બેક્ટેરિયલ પરીક્ષણ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ શોધી શકાતી નથી. અપગ્રેડેડ લેબોરેટરીમાં ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા પૂરા પાડવામાં આવેલા ઉપકરણોનો સમાવેશ થશે. ત્રણ મશીન અને બેક્ટેરિયલ રિસર્ચ ટેકનોલોજી માટે વધારાની ગ્રાન્ટ પણ મળશે. આ સાથે 50 નવા ફૂડ સેફ્ટી અધિકારીઓની ભરતી કરવામાં આવશે. નવી લેબ માટે લગભગ રૂ. 15-20 કરોડના સાધનો ખરીદવામાં આવશે, જે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી મળશે, તેમ પણ અધિકારીએ ઉમેર્યું હતું.
આપણ વાંચો: મુંદરાના નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણમાં ઝેરી મધમાખીએ હુમલો કરતા ભાગદોડ



