અમદાવાદ નજીક NMIMS યુનિવર્સિટીનું નવું કેમ્પસ તૈયાર: 2026થી MBA, BBA, LLB કોર્સ શરૂ થશે

અમદાવાદ: ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ લાવવાના એક મહત્ત્વપૂર્ણ પગલામાં, શ્રી વિલે પાર્લે કેળવણી મંડળ સંચાલિત નરસી મોનજી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (NMIMS) ડીમ્ડ-ટુ-બી યુનિવર્સિટી સાણંદમાં પોતાનું નવું કેમ્પસ સ્થાપવા જઈ રહી છે. ટોપ-નોચ શિક્ષણ માટે જાણીતું NMIMS શૈક્ષણિક વર્ષ 2026 થી સાણંદ ખાતે તેના કેમ્પસમાંથી છ જેટલા અભ્યાસક્રમો શરૂ કરવામાં આવી શકે છે.
જો કે હજુ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) તરફથી અંતિમ મંજૂરીની રાહ જોવાઈ રહી છે, જ્યારે ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન (AICTE) અને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) તરફથી જરૂરી મંજૂરીઓ મળી ચૂકી છે.
નવા કેમ્પસમાં સ્કૂલ ઑફ બિઝનેસ મેનેજમેન્ટ, સ્કૂલ ઑફ કોમર્સ અને સ્કૂલ ઑફ લૉ હેઠળ વિવિધ કાર્યક્રમો ઓફર કરવામાં આવશે, જે અંદાજે 840 બેઠકોનો ઉમેરો કરશે. 2026-2027 શૈક્ષણિક વર્ષથી જે મુખ્ય કાર્યક્રમો શરૂ થવાની અપેક્ષા છે તેમાં બે વર્ષનો માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (MBA), ચાર વર્ષનો બેચલર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (BBA Hons), બેચલર ઓફ કોમર્સ (B.Com Hons), પાંચ વર્ષના સંકલિત BBA, LLB (Hons) અને BA, LLB (Hons), તેમજ ચાર વર્ષનો BSc ફાઇનાન્સ (Hons) નો સમાવેશ થાય છે. MBA પ્રવેશ માટે યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષા NMAT by GMAC માં અમદાવાદ કેમ્પસનો સમાવેશ 2025-26ના પ્રવેશ માટે પહેલેથી જ કરવામાં આવ્યો છે, જે 2026માં સાણંદ કેમ્પસમાં MBA પ્રોગ્રામની શરૂઆતનો સંકેત આપે છે.
આ કેમ્પસ 35,027 ચો.મી.માં ફેલાયેલું છે, જેમાં 60 વર્ગખંડો સાથે 11,706 ચો.મી.નો શૈક્ષણિક વિસ્તાર અને 3,168 ચો.મી.નો વહીવટી વિસ્તાર છે. આ અત્યાધુનિક સુવિધાઓમાં કમ્પ્યુટર લેબ્સ, ભાષા લેબ, એક વિશાળ સેન્ટ્રલ લાઇબ્રેરી, મૂટ કોર્ટ, ઓડિટોરિયમ અને લીગલ એઇડ ક્લિનિકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો…નોમોફોબિયાનું થશે ચોક્કસ માપન! ગુજરાતની આ યુનિવર્સિટીએ તૈયાર કરેલી કસોટીને મળ્યા કોપીરાઇટ્સ



