અમદાવાદઃ નહેરૂનગર અકસ્માત કેસ, આરોપીને કોર્ટ પરિસરમાં લોકોએ મેથીપાક ચખાડ્યો, જુઓ વીડિયો…

અમદાવાદઃ નહેરુનગર વિસ્તારમાં ઝાંસીની રાણીના પૂતળા પાસે બે દિવસ પહેલા હિટ એન્ડ રનની ઘટના બની હતી. એક બેફામ કારે BRTS કોરિડોર પાસે એક્ટિવાને ટક્કર મારતાં બે યુવકોના મોત થયા હતા. આ અકસ્માત બાદ ફરાર થઈ ગયેલો કારચાલક રોહન સોનીએ ગઈકાલે પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું હતું.
આજે જ્યારે પોલીસ તેને અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ, ત્યારે કોર્ટ પરિસરમાં હાજર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. ગુસ્સે ભરાયેલા લોકોએ રોહન સોનીને માર માર્યો. પોલીસે વચ્ચે પડીને તેને લોકોના રોષથી બચાવી કોર્ટમાં રજૂ કર્યો હતો. કોર્ટે તેના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
રેસ લગાવીને નહેરૂનગર વિસ્તારમાં અકસ્માત સર્જનારા રોહન સોનીના મેટ્રોપોલિટન કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. 12 ઓગસ્ટ, 2025ના બપોર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. અકસ્માતમાં અશફાક અજમેરી અને અકરમ કુરેશીનું મોત થયું હતું.
મૃતકો જમાલપુરના રહેવાસી હતા. આ ઘટના બાદ સામે આવેલા સીસીટીવી પરથી એવો દાવો કરાઈ રહ્યો છે કે, રોહન સોની અન્ય કાર સાથે રેસ લગાવી રહ્યો હતો જેના પરિણામે આ ભયાનક અકસ્માત સર્જાયો હતો. જો કે પોલીસે આ મામલે પુષ્ટિ કરી નથી પરંતુ પુરાવા એકઠા કરીને તપાસ માટે મોકલી આપ્યા છે.